આરોગ્ય કર્મચારીઓની હડતાળનો સંકેલો,આજથી ફરજ પર હાજર

  •  સરકારનાં હકારાત્મક વલણ બાદ મહાસંઘના આદેશથી
  • ચૂંટણીની આચાર સહિતા લાગુ પડી જતાં આંદોલન આગળ વધારવું યોગ્ય નથી તેવું લાગતા હડતાલ સમેટાઈ

ગ્રેડ – પે ની માગણીને લઈને છેલ્લા ૧૩ દિવસથી ચાલતી પંચાયત વિભાગ હેઠળનાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે અંત આવ્યો હતો અને મહાસંઘનાં આદેશ બાદ રાજકોટ જિલ્લામાં આવતીકાલ તા. ર૬ મી જાન્યુઆરીથી જ આરોગ્ય કર્મચારીઓને ફરજ પર હાજર થઈ કોરોના રસીકરણ સહિતની આરોગ્યલક્ષી કામગીરીમાં જોડાઈ જશે.

ગાંધીનગરમાં આજે ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘની પગલા સમિતિનાં હોદેદારોએ નાણાંપ્રધાન નિતિન પટેલ સાથે ચર્ચા કરી હતી. સરકારે સકારાત્મક વલણ અપનાવી આરોગ્ય અને નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને કર્મચારીઓને મહતમ લાભ મળે તે માટે તૈયારી બતાવતા અંતે મહાસંઘનાં હોદેદારોએ હડતાળને સમેટી લેવાનો નિર્ણય કર્યો હતોે.

રાજકોટ  જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળે મહાસંઘનાં હોદેદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે સાંજે કર્મચારીઓને આવતીકાલ તા. ર૬ મી જાન્યુઆરીથી જ ફરજ પર હાજર થઈ જવા આદેશ કર્યો હતો. મંડળનાં હોદેદારોએ જણાંવ્યુ હતું કે આરોગ્યની કામગીરી રજાનાં દિવસે પણ ચાલુ હોય છે. હાલ કર્મચારીઓને કોરોના વેકસીનની કામગીરીમાં જોડાવા અને રસી લેવા પણ અનુરોધ કરાયો છે.

રાજયમાં ૩૩ હજાર આરોગ્ય કર્મચારીઓ અને રાજકોટ જિલ્લામાં ૭૦૦ જેટલા કર્મચારીઓ છેલ્લા ૧૩ દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી જતાં હડતાળ લંબાવવી પણ યોગ્ય ન હતી તેવો સૂર કેટલાક હોદેદારોનો હતો દરમિયાન આજે સરકારે હકારાત્મક વલણ અપનાવતા સાંજે હડતાળનું એલાન પાછુ ખેંચી લેવાનો આદેશ કરાયો હતો.