પુરપાટવેગે આવતી બોલેરો વાને એક્ટીવાને હડફેટે લીધું

– બીમાર સસરાના ખબર-અંતર પૂછી જામનગરનથી પોતાના ઘેર ભાણવડ આવી રહેલાં પરિવારને રસ્તામાં અકસ્માત નડતા સર્જાઈ કરુણાંતિકા

ખંભાળિયા- ભાણવડ રોડ ઉપર આજરોજ બપોરે જામનગરથી ભાણવડ જઈ રહેલા એક બાળક સાથેના દંપતીનું એક્ટિવા મોટરસાયકલ પૂરપાટ જતી બોલેરો પિકઅપ વાનની ઠોકરે ચડી જતા એક્ટિવામાં જઈ રહેલા માસુમ બાળક સહિત દંપતિના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.

આ અરેરાટીજનક બનાવની જાણવા મળતી વિગત એવી છે કે ભાણવડના જુના નગરનાકા વિસ્તારમાં રહેતા અને ચાની હોટલ ધરાવતા કેતનભાઈ ડાયાભાઈ પરમાર નામના ૩૯ વર્ષના કોળી યુવાનના જામનગર ખાતે રહેતાં સસરાને કેન્સરની બીમારી હોવાથી તેઓ સારવાર હેઠળ દાખલ હતા. બીમાર પિતાની તબિયતના ખબર કાઢવા કેતનભાઈના પત્ની જ્યોતિબેન (ઉ.વ. ૩૫) તેઓના દસેક વર્ષના બાળક ઉદયને સાથે લઈને બે દિવસ પહેલા જામનગર ગયા હતા. જ્યાં ગઈકાલે રાત્રે ભાણવડથી કેતનભાઈ પણ તેમના એકટીવા મોટરસાયકલ નંબર જી.જે. ૩૭ડી. ૨૧૩૦ માં આવ્યા હતા. પોતાના સસરાના ખબર- અંતર કાઢી અને પત્ની- પુત્રને ભાણવડ પોતાના ઘરે સાથે લઈને જવા માટે કેતનભાઈ તેમનાં પત્ની જ્યોતિબેન તથા પુત્ર ઉદય સાથે આજરોજ સવારે ૧૧ વાગ્યે જામનગરથી ભાણવડ તરફ જવા નીકળ્યા હતા. દર વખતે તેઓ જામનગરથી લાલપુર રોડ થઈ અને ભાણવડ જતા હતા. પરંતુ કામનશીબ કે જાણે મોત પોકારતું હોય તેમ તેઓ આજરોજ ખંભાળિયા થઈ અને ભાણવડ જવા માટે નીકળ્યા હતા.

બપોરે આશરે ત્રણેક વાગ્યે આ એક્ટિવા સવાર દંપતિ- પુત્ર ખંભાળિયાથી આશરે સાતેક કિલોમીટર દૂર ભાણવડ રોડ ઉપર માંઝા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ ટી. ૩૭૧૧ નંબરના એક બોલેરો પિકઅપ વાહનના ચાલકે કેતનભાઈના એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. જેના કારણે આ એકટીવાનો ભુક્કો બોલી ગયો હતો અને કેતન તથા તેમનાં પત્ની જ્યોતિબેને ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ ખેંચતા હતા. જ્યારે માસુમ બાળક ઉદય ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ મારફતે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ બનતા ખંભાળિયા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે તથા હોસ્પિટલ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. જ્યારે ખંભાળિયાના કોળી અગ્રણી જયંતીભાઈ સુરેલા વિગેરે પણ હોસ્પિટલ જઈને જરૂરી વ્યવસ્થા કરાવી સહાયભૂત બન્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ કેતનભાઈ તેમના પિતા ડાયાભાઈનો એકમાત્ર પુત્ર હતો તેમને બે બહેનો છે. જ્યારે અકસ્માતમાં મૃત્યુ પામનાર કેતનભાઈ તથા જ્યોતિબેનનો ઉદય પણ એકમાત્ર જ સંતાન હતો. આ ગમખ્વાર અકસ્માતના કરૂણ બનાવે મૃતકના કોળી પરિવારમાં ઘેરા શોક સાથે ભાણવડ પંથકમાં પણ ભારે અરેરાટી પ્રસરાવી છે.