ફેક્ટરી માલિક રહસ્યમય સંજોગોમાં ગૂમ થતા પોલીસની દોડધામ

લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિક ત્રણ દિવસ પૂર્વે ફેક્ટરી  પર  ગયા પછી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગયા છે.છાણી પોલીસે ગૂમ ફેક્ટરી માલિકની શોધખોળ માટે વડોદરાથી હાલોલ અને ગોધરા સુધીના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે.પરંતુ,ફેક્ટરી માલિકનો કોઇ ભાળ મળી નથી.

શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં વૃંદાલય એપાર્ટમેન્ટમાં રહેતા જયેશ નારાયણભાઇ પટેલની પદમલા ગામ પાસે સ્વીચ બોર્ડ  બનાવવાની ફેક્ટરી છે.ગત ૨૦ મી તારીખે તેઓ  પોતાની કાર લઇને ફેક્ટરી પર ગયા હતા.ત્યારબાદ તેઓ ઘરે પરત આવ્યા નહતા.તેમના પરિવારજનોએ સગા સંબંધી અને ફ્રેન્ડ સર્કલમાં તપાસ કરી હતી.પરંતુ,જયેશ પટેલનો કોઇ પત્તો લાગ્યો નહતો.જેથી,જયેશ પટેલના મોટાભાઇએ છાણી  પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે,જયેશ પટેલે છેલ્લે પોતાના મિત્ર સાથે ધંધાકીય રો મટિરીયલની ખરીદીની વાત કરી હતી.ત્યારબાદ બપોરે દોઢ વાગ્યે તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.તેમનુ છેલ્લુ લોકેશન હાલોલ હાઇવે  પર બતાવતુ હતુ.જેથી,પોલીસે હાલોલ અને ગોધરાના ટોલનાકા પર તપાસ હાથ ધરી હતી.પરંતુ,ગૂમ જયેશ પટેલની કોઇ ભાળ મળી નહતી.

પોલીસે જયેશ પટેલના પરિવાર અને ફ્રેન્ડ સર્કલમાં પૂછપરછ કરતા એવી શક્યતા સેવાઇ રહી છે કે,જયેશ પટેલને ધંધામાં દેવુ થઇ જતા તેમણે ઘર છાડી દીઘુ હશે.