પ્રમુખ બનતાં જ બાઈડેને પાંચ લાખ ભારતીયોને નાગરિક્તા આપી

  • પ્રમુખ બાઈડેને અપેક્ષા મુજબ ટ્રમ્પના અનેક નિર્ણયો ઉથલાવ્યા
  • બાઈડેને કોરોના મહામારી સંબંધિત, પેરિસ જળવાયુ કરાર, ‘હૂ’ સાથે ફરી જોડાવા સહિત ૧૫ આદેશો પર હસ્તાક્ષર કર્યા

અમેરિકન પ્રમુખ જો બાઈડેન સત્તા સંભાળવાની સાથે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને ઉથલાવી દેશે તેવી અપેક્ષા હતી અને તેવું જ થયું. અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધાના કલાકોમાં જ પ્રમુખ બાઈડેને એક્શનમાં આવતાં પહેલાં દિવસે જ ટ્રમ્પના અનેક આદેશોને ઉથલાવી દીધા હતા. આ સાથે બાઈડેને વસાહતીઓને રાહત આપતા એક એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને પાંચ લાખ ભારતીયો સહિત ૧.૧ કરોડ ઈમિગ્રન્ટ્સને નાગરિક્તા આપવાનો માર્ગ મોકળો કર્યો હતો. વધુમાં બાઈડેને કોરોના મહામારી સંબંધિત, ‘હૂ’ અને પેરીસ જળવાયુ પરિવર્તન કરારમાં ફરીથી જોડાવાના આદેશો પણ આપ્યા હતા.

ડેમોક્રેટ નેતા જો બાઈડેને અમેરિકાના ૪૬મા પ્રમુખ બનવાના શપથ લેતાની સાથે જ ૧૫થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી અનેક આદેશો હેઠળ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ નિર્ણયો ફેરવી તોળવામાં આવ્યા છે. બાઈડેને જણાવ્યું હતું કે, તેઓ આગામી દિવસોમાં હજી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર હસ્તાક્ષર કરશે. બાઈડેને વ્હાઈટ હાઉસમાં સત્તા સંભાળતા જ સૌપ્રથમ ૧૦૦ દિવસના માસ્કિંગ ચેલેન્જના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશ હેઠળ તેમણે અમેરિકનોને ૧૦૦ દિવસ માટે માસ્ક પહેરવા જણાવ્યું હતું.

બાઈડેનના ઈમિગ્રેશન બિલ પર હસ્તાક્ષર કરવાથી અમેરિકામાં ૧.૧૦ કરોડ વસાહતીઓને લાભ થશે, જેમાં પાંચ લાખ ભારતીયોનો સમાવેશ થાય છે. બાઈડેને પહેલા દિવસથી જ અગાઉ ચૂંટણી ઢંઢેરાઓમાં કરેલી જાહેરાત મુજબ ટ્રમ્પની વિવાદાસ્પદ ઈમિગ્રેશન નીતિમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે. બાઈડેનની નીતિના પગલે સત્તાવાર દસ્તાવેજો નહીં ધરાવતા ૧.૧૦ કરોડ લોકોને અમેરિકન નાગરિક્તા આપવાનો માર્ગ મોકળો થશે. બાઈડેને ચૂંટણી રેલીઓમાં પણ ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિની આકરી ઝાટકણી કાઢી હતી.

વધુમાં યુએસ સિટિઝનશિપ એક્ટ, ૨૦૨૧ નામનું આ બિલ અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસ્થાને આધુનિક બનાવશે. આ બિલ હેઠળ વસાહતીઓ માટે પ્રત્યેક દેશની મર્યાદા ખતમ કરવામાં આવશે અને કુશળતા આધારિત નીતિ અપનાવાશે. તેના હેઠળ ભારતીય આઈટી વ્યાવસાયિકોને કાયમી નાગરિક્તા મેળવવા માટે દાયકાઓ સુધી રાહ નહીં જોવી પડે. વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ આ બિલ રોજગાર આધારિત બેકલોગ દૂર કરશે અને વીઝા મેળવવામાં લાગતો લાંબો સમય ઘટાડશે.

આ સાથે પ્રમુખ ટ્રમ્પે ‘ગ્લોબલ વોર્મિંગ’ ઘટાડવાની વૈશ્વિક લડાઈમાં પેરીસ જળવાયુ સમજૂતીમાં અમેરિકાને ફરીથી જોડવાના, વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)માં ફરીથી જોડાવાના આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા. પૂર્વ પ્રમુખ ટ્રમ્પે  અમેરિકાને પેરીસ સમજૂતીમાંથી બહાર કરી દીધું હતું. આ સમજૂતી હેઠળ તેમાં સામેલ ૧૯૫ દેશો દ્વારા કાર્બન પ્રદૂષણ ઘટાડવાનું લક્ષ્ય રખાયું છે. ચીન પછી અમેરિકા દુનિયાનો બીજા ક્રમનો સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરતો દેશ છે.કોરોના મહામારી વખતે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મતભેદ થતાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને આ સંસ્થાથી અલગ કરી નાંખ્યું હતું. પરંતુ બાઈડેને ટ્રમ્પના આ નિર્ણયને પલટતાં પહેલાં જ દિવસે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે ફરીથી જોડાવાના આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

પહેલા જ દિવસે બાઈડેનના મહત્વપૂર્ણ આદેશો

  • કોરોના મહામારી પર નિયંત્રણ લાવવા સંબંધિત નિર્ણયો, જેમાં બાઈડેને ૧૦૦ દિવસ માટે માસ્ક પહેરવું જરૂરી કર્યું.
  • જળવાયુ પરિવર્તન મુદ્દે પેરિસ કરારમાં અમેરિકાના ફરીથી જોડાવાનો નિર્ણય લીધો.
  • વિશ્વ આરોગ્ય સંસ્થામાંથી હટવાના પૂર્વ પ્રમુખ ટ્રમ્પના નિર્ણયના અમલને પણ અટકાવી દીધો.
  • મેક્સિકો સરહદે દિવાલ બનાવવાનો નિર્ણય પણ તાત્કાલિક અસરથી અટકાવ્યો અને તેના માટેનું ભંડોળ પણ અટકાવ્યું.
  • મુસ્લિમ દેશોના લોકોના અમેરિકા પ્રવેશ પર ટ્રમ્પે મુકેલો પ્રતિબંધ પણ હટાવ્યો.
  • સામાન્ય લોકોને આર્થિક મદદ કરવાની જાહેરાત સાથે સ્ટુડન્ટ લોનનો હપ્તો સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવ્યો.