સાજિદે જિયાને કહ્યું હતું, ટોપ અને બ્રા ઉતારવા, જિયાની બહેન કરિશ્માએ કર્યો ઘટસ્ફોટ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઈને વારંવાર વિવાદો સામે આવતા રહે છે. અનેક સેલેબ્રિટીઝ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ પણ લાગી ચુક્યો છે. તેમાંથી એક ડિરેક્ટર સાજિદ ખાન પણ છે. તેના પર ફરી એકવાર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લાગ્યો છે. આ આરોપ એક્ટ્રેસ જિયા ખાનની બહેન કરિશ્માએ લગાવ્યો છે. તેણે ડિરેક્ટર પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે સાજિદ ખાને તેની બહેન જિયાને સેક્સ્યુઅલી હેરેસ કરી હતી.

જિયા ખાનની લાઈફ પર બનેલી ડોક્યુમેન્ટ્રી ‘ડેથ ઈન બોલિવૂડ’ તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ ડોક્યુમેન્ટ્રીના બીજા એપિસોડમાં કરિશ્માએ વાતચીત દરમિયાન કહ્યું છે કે, રિહર્સલનો સમય હતો અને જિયા સ્ક્રિપ્ટ વાંચી રહી હતી અને તે સમયે સાજિદ ખાને તેને ટોપ અને બ્રા ઉતારવાનું કહ્યું હતું. તેને થોડીવાર તો ખબર જ ન પડી કે શું કરવું. ત્યારબાદ તે ઘરે આવીને ખૂબ જ રડી હતી. તે કહી રહી હતી કે આ ફિલ્મ સાથે કોન્ટ્રાક્ટમાં છે. તે ફિલ્મ છોડી દેશે તો મારા વિરુદ્ધ કેસ કરશે અને તેને બદનામ કરશે. જો ફિલ્મ કરશે તો તેનું શોષણ થશે. દરેક હાલમાં તે કંઈક ગુમાવવાની જ સ્થિતિમાં છે. પરંતુ પછી તેણે તે ફિલ્મ કરી હતી.

નોંધનીય છે કે જિયા ખાન ડિરેક્ટર સાજિદ ખાન સાથે 2010માં ફિલ્મ ‘હાઉસફુલ’માં કામ કર્યુ હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, દીપિકા પાદુકોણ અને લારા દત્તા પણ હતાં. નોંધનીય છે કે વર્ષ 2013માં જિયા ખાને આત્મહત્યા કરી હતી. નોંધનીય છે કે 2018માં જ્યારે મીટૂ કેમ્પેઈન ચલાવ્યુ હતું ત્યારે પણ સાજિદ ખાન પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આરોપો લાગ્યા હતાં.