લાપતા હોવાની ચર્ચાઓ વચ્ચે જૈક મા જોડાયા એક વીડિયો કોન્ફરન્સમાં, જાણો શું કહ્યું ગુમ થવા વિશે

બે મહિનાથી વધુ સમયથી ગુમ થયેલા એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક એવા અલીબાબા ગ્રુપના માલિક જેક મા અચાનક જ દુનિયા સમક્ષ દેખાયા છે. તાજેતરમાં જ જેક મા એક વીડિયો કોન્ફરન્સમાં હાજર થયા હતા. વિશ્વભરમાં તેમના ગુમ થયાની વાત જોરશોરથી શરુ થયા બાદ ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે જેક માનો આ વીડિયો શેર કર્યો છે.

ગ્લોબલ ટાઇમ્સ અનુસાર, જેક માએ બુધવારે ચાઇનામાં 100 ગ્રામીણ શિક્ષકો સાથે વિડિયો લિંક દ્વારા વાતચીત કરી હતી. જેક માએ શિક્ષકોને કહ્યું હતું કે, “જ્યારે કોરોના વાયરસ જશે, ત્યારે આપણે ફરી મળીશું.” જો કે જેક માના પરિચયમાં અલીબાબાનો ઉલ્લેખ નથી, જેની તેમણે પોતે સ્થાપના કરી હતી. ચીનમાં અફવાઓનું બજાર ગરમ છે કે ચીની સરકાર જેક માની કંપની અલીબાબા પર નિયંત્રણ લઈ શકે છે.

જેક માએ ગત વર્ષે ઓક્ટોબરમાં એક મુદ્દા પર ચીની સરકારની આલોચના કરી હતી. રિપોર્ટ અનુસાર ત્યારથી જેક માની કોઈ સાર્વજનિક ઉપસ્થિતિ જોવા મળતી ન હતી. તેના કારણે ચર્ચાઓ શરુ થઈ હતી કે તેઓ લાપતા છે. તેવામાં આ વીડિયો સામે આવતાં અનેક તર્ક વિતર્ક શરુ થયા છે.

કારણ કે આ પહેલા તેમના ટેલેન્ટ શોના ફાઈનલ એપિસોડમાં પણ તેઓ હાજર રહ્યા ન હતા. આ શોમાં જેકના બદલે અલીબાબાના અન્ય એક અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે જણાવવામાં આવ્યું હતું કે જેક મા કેટલાક અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત છે. આ ઉપરાંત આ કાર્યક્રમની વેબસાઈટમાંથી પણ જેકની તસવીર હટાવી લેવામાં આવી હતી ત્યારબાદ આ મામલે રહસ્ય વધુ ઘેરું બન્યું હતું.