ઉત્તર પ્રદેશ, હરિયાણા, બંગાળ, દિલ્હી સુધી નેટવર્ક ઉભુ કર્યું હતું, સીઆઇડીએ ગેંગને ઝડપી  સોશિયલ મીડિયામાં ગ્રુપબનાવી લોકોને રૂપિયા કમાવાની લાલચ અપાતી, ફેક કંપનીઓની મદદ લેવાતી.

પશ્ચિમ બંગાળની સીઆઇડીએ દેશના સૌથી મોટા સાઇબર ફ્રોડ ગેંગ્સ પૈકી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ કથિત રીતે કરોડો રૂપિયાના અનેક કૌભાંડોમાં સામેલ છે. જેણે છેલ્લા પાંચ વર્ષમાં ઉત્તર પ્રદેશથી લઇને દિલ્હી અને હરિયાણા સુધી પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોના લાખો રૂપિયા ઠગી લીધા હતા. આ ગેંગના બે માસ્ટરમાઇન્ડને પશ્ચિમ બંગાળની સીઆઇડીએ દિલ્હી અને હરિયાણામાંથી ઝડપી લીધા હતા. એક અનુમાન મુજબ આ ગેંગે આશરે ૧૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોઇ શકે છે. 

  બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, કોર્ટે બન્નેને ૧૨ દિવસ માટે સીઆઇડીની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. સીઆઇડીના સુત્રોએ જણાવ્યું હતું કે આરોપી ગેંગ અનેક સોશિયલ મીડિયા મેસેંજર પ્લેટફોર્મ જેમ કે વોટ્સએપ, ટેલિગ્રામ અને ફેસબુક મેસેંજર પર એક્ટિવ હતા.  જે લોકોને સોશિયલ મીડિયાની સતત ટેવ પડી ગઇ હોય તેવા લોકોના એક ગુ્રપને ટારગેટ કરીને આ તમામ સોશિયલ મીડિયા પર ગ્રુપબનાવીને તેમને ફસાવતા હતા. ટારગેટ કરાયેલા સોશિયલ મીડિયા યૂઝર્સને અનેક ગુ્રપ્સમાં જોડવામાં આવ્યા અને ક્રિપ્ટોમાં રોકાણ કરીને ઓછા સમયમાં બહુ બધા રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. દરેક યૂઝરને ઠગવા માટે એક મોટુ જુથ સાથે કામ કરતંુ હતું. સૌથી પહેલા એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા કે જેઓ વધુ રૂપિયા કમાવવાના ઉપાયો શોધી રહ્યા હતા. સીઆઇડીના અન્ય એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આ તમામ પ્રક્રિયા સ્ક્રિપ્ટ મુજબ થતી હતી. 

ગુ્રપમાં સૌથી પહેલા એડમિન અનેક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપતા હતા, બાદમાં ગુ્રપમાં ગેંગના જ જે માણસો રાખવામાં આવ્યા હતા તે એડમિન સાથે ચર્ચા કરતા હતા. જે લોકો સવાલો ઉઠાવતા તેમને હટાવી દેવાતા હતા અને જે બદલ ગેંગના માણસો એડમિનના વખાણ કરતા હતા. લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે બનાવટી કંપનીઓ પણ તૈયાર રખાઇ હતી. જે રકમ પડાવવામાં આવી હોય તેને બાદમાં આ કંપનીમાં રોકવામાં આવ્યા હોવાનું સાબિત કરવા ખોટા દસ્તાવેજો બતાવવામાં આવતા હતા. ચંદનનગર સાઇબર પોલીસ સ્ટેશનમાં આવા એક ૪૩ લાખ રૂપિયાની ઠગાઇના મામલાની તપાસ ચાલી રહી છે. સીઆઇડીએ તપાસ શરૂ કરતા બાદમાં હરિયાણાથી માનુષ કુમાર અને દિલ્હીથી સત્યેંદ્ર મહતોની ધરપકડ કરવામાં આવી હતી. એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આશરે એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ હોઇ શકે છે અને હજુ અનેક ખુલાસા થવાની શક્યતાઓ છે.