મુસાફરે વીડિયો વાઈરલ કરતા હોબાળો નડિયાદથી 45 મિનિટ સુધી યુવતીને કેબિનમાં બેસાડી અમદાવાદ સુધી લઈ ગયો

નડિયાદથી અમદાવાદ તરફ જતી એસ.ટી. બસના ડ્રાઈવરની કરતૂત સામે આવી છે. એસ.ટી.ને લાંછન લગાડવા ઉપરાંત મુસાફરોની પરવાહ કર્યા વગર એક બસના ડ્રાઈવરે પોતાની કેબિનમાં એક યુવતીને બેસાડી અને બંને વાર્તાલાપ કરતા બસને અમદાવાદ પહોંચાડી હતી. 

આ ઘટનાનો વીડિયો મુસાફરે ઉતારી લીધો અને ત્યારબાદ વાયરલ કરતા એસ.ટી. તંત્ર પર ફીટકાર વરસી રહી છે, આ વચ્ચે નડિયાદ ડેપો મેનેજર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરાઈ છે અને પ્રાથમિક તપાસમાં જ ગેરરીતિ જણાતા ડ્રાઈવર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

નડિયાદ એસ.ટી. ડેપોની એક બસનો વીડિયો વાયરલ થયો છે. નડિયાદથી અમદાવાદ તરફ જતી એસ.ટી. બસના ડ્રાઈવરે નિયમોનો ભંગ કરી અને ડ્રાઈવર સીટની બાજુમાં આવેલી કેબિનમાં એક યુવતીને બેસાડી હતી. આ યુવતીએ મુખ પર દુપટ્ટો બાંધેલો હતો. તેમજ ડ્રાઈવર અને યુવતી બંને વાતો કરી રહ્યા હતા. યુવતીને બે-પાંચ મિનિટ નહીં, પરંતુ નડિયાદથી અમદાવાદ સુધી જતા ૪૫ મિનિટ ઉપરાંતના સમય સુધી ડ્રાઈવર સીટની બાજુના કેબિનમાં બેસાડી હતી અને ડ્રાઈવર ચાલુ બસ દરમિયાન આ યુવતી સાથે ચર્ચા કરી રહ્યો હતો. 

આ અંગે મુસાફરે ઉતારેલો વીડિયો વાઈરલ થતાં નડિયાદ એસ.ટી. ડેપો મેનેજર કે. કે. પરમાર પાસે પહોંચ્યો હતો. જેની ખરાઈ કરતા વીડિયો સાચો હોવાનું માલુમ પડયું હતું. જેથી એસટી બસ ચાલકની પૂછપરછ આદરી હતી. જેમાં ડ્રાઈવરે કેબિનમાં બેસાડેલી યુવતી પોતાની સબંધી હોવાનું જણાવ્યુ હતુ. જો કે, કેબિનમાં બેસાડવું તે નિયમો વિરુદ્ધ હોય, આ મામલે મેનેજર દ્વારા એસટી બસના ચાલક સામે સખત ખાતાકીય પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.