પોરબંદર સરકારી કર્મચારીઓમાં વધી રહી છે આંતરીક જૂથબાજી, એજન્સીઓમાં પસંદગીના કર્મીઓ મુકાવીને ભ્રષ્ટાચારનું નવું તરકટ અપનાવાય રહ્યું છે

  • એજન્સી દ્વારા મુકવામાં આવતા કર્મચારીઓમાં પોતાના અથવા પોતાની જ્ઞાતિના અથવા પોતાના ધર્મ કે જૂથના કર્મચારીઓ મુકાય તે માટે રીતસર લોબિંગ થાય છે.
  • જાગૃત નાગરીકો જો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે તો આવા અનેક કૌભાંડો ઉજાગર થાય તેમજ લોકકલ્યાણના માર્ગો વધુ સરળ બનાવી શકાય
  • ખુદ મુખ્યમંત્રી પોતે સરકારી તંત્રના ભ્રષ્ટ વહીવટને જાહેરમાં ટોકી ચુક્યા હોવા છતાં, હજુ સુધી ગુજરાતમાં ભ્રષ્ટ વહીવટ નિવારી શકાતો ન હોય તે સ્વાભાવિક છે ત્યારે પોરબંદર જીલ્લા વહીવટ તંત્રમાં ભ્રષ્ટાચાર નથી તેવું કહી શકાય તેમ નથી
  • એજન્ટો કયા કયા સરકારી કર્મચારી કે અધિકારી માટે દાનાપાની (ગેર વહીવટનું એક વ્યાપક નામ) શોધી આવે છે એની ઊંડી તપાસ થવી જોઈએ

પોરબંદર જીલ્લા મથકનું શીર્મોવ ગણાતું વહીવટી જીલ્લાનું માળખું એટલે જીલ્લા સેવાસદન, આવા સદનમાં ઉપરી અધિકારીઓની ઉદાસીનતાથી, તેની નીચેના કર્મચારીઓમાં આંતરીક જુથવાદ સરેઆમ વ્યાપી રહ્યો છે, સરકારી કર્મચારીઓની કામગીરી મોટાભાગે તો એજન્સીઓના ખાનગી કર્મચારીઓ (ઓછાપગારે) કરી દેતા હોય છે તેવામાં માતબર પગાર રળી ખાતા સરકારી કર્મીઓ, એજન્સી દ્વારા મુકવામાં આવતા કર્મચારીઓમાં પોતાના અથવા પોતાની જ્ઞાતિના અથવા પોતાના ધર્મ કે જૂથના કર્મચારીઓ મુકાય તે માટે રીતસર લોબિંગ કરે છે, ઉપરી અધિકારીઓ પણ ટૂંકા સમય માટે બદલીઓ પામી જતા હોય તે આવા ઝગડામાં ન્યાય પણ એ રીતે તોળે છે જે રીતે તેના પર તવાઈ ન આવવી જોઈએ,

પરંતુ આ કારણે આખા જીલ્લાના અરજદારો તથા નાગરીકોને ભ્રષ્ટાચાર અને અનિયમિતતાનો ઘોર સામનો કરવો પડતો હોય તે કોઈ પણ નેતા કે ઉચ્ચ અધિકારીઓના ધ્યાને ક્યારેય નથી આવતું, અથવા જાણી જોઇને આંખ આડા કાન કરવામાં આવતા હોય શકે, ભ્રષ્ટાચાર અંગે ખુદ મુખ્યમંત્રી પોતે સરકારીતંત્રના ભ્રષ્ટ વહીવટને જાહેરમાં ટોકી ચુક્યા હોવા છતાં, ગુજરાતમાં ભ્રષ્ટ વહીવટ નિવારી શકાતો ન હોય તે સ્વાભાવિક છે ત્યારે પોરબંદર જીલ્લા વહીવટ તંત્રમાં ભ્રષ્ટાચાર નથી જ તેવું કહી શકાય તેમ નથી અને મહદઅંશે લોકો પણ ભ્રષ્ટાચારને અપનાવી ચુક્યા હોય કોઈ સ્વેચ્છાએ તો કોઈ પરાણે ભ્રષ્ટ વ્યવસ્થાને આધીન થઇ રહ્યા છે, પરંતુ એનો અર્થ એ નથી કે જીલ્લાના લોકો તથા સરકારના ધ્યાને આ બધું હોતું નથી.

જીલ્લામાં પુરવઠાતંત્ર, હથિયાર પરવાના તથા કેટલાક પ્રકારના લાઇસન્સ કે પરવાનગીઓ માટે ખુલ્લેઆમ વહીવટ થાય છે અને એ વહીવટ નીરંતર ચાલે એટલે ઉચ્ચ અધિકારીઓને સ્થાનિક કર્મીઓના જુથવાદમાં પડવું ન ગમે તે સ્વાભાવિક છે, આથી કર્મીઓમાં જે ટેબલનો ભ્રષ્ટ વહીવટ વધુ તે ટેબલ પર બિરાજતા કર્મચારીનું વજન વધારે એવો ઘાટ પોરબંદર જીલ્લા સેવાસદનમાં જોવા મળી રહ્યો છે.

“કાલે આવજો આજે સાહેબ નથી” એવો જવાબ સાંભળીને નિરાશ વદને અરજદાર જયારે આલીશાન ઓફીસના પગથીયા ઉતરતો હોય છે તેવામાં પાછળથી અવાજ સાંભળવા મળે કે ક્યા ટેબલે તમારૂ પ્રકરણ છે ? વહીવટ કરવો છે તો પ્રકરણ કમ્પ્લીટ કરીને લાવી આપું !! આવા શબ્દો ખાનગી એજન્સીના મોટાભાગના કર્મચારીઓ બોલે છે, આ બધું સરકાર કે ઉચ્ચ અધિકારીઓના કાને નહિ અથડાતું હોય તેવું નથી પણ કદાચ તેઓ આમાં મૌન સેવવું પસંદ કરે છે અથવા આવું ચાલવા દેવા માટે વિવશ છે,

જીલ્લા વહીવટીતંત્રની જમીન, પુરવઠા, હોમ, સર્કલ અને આંકડાશાખાઓ જેવા વિભાગોમાં આવી જુથબાજીઓ સ્પસ્ટ નજરે ચડે છે ત્યારે ભૂતકાળમાં પણ કર્મચારીઓની સ્થાનિક મીટીંગ યોજીને આ અંગે કોઈ ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીને ચેતવણી આપવાનું કે પગલાં ભરવાનું ક્યારેય કોઈ કડક અધિકારીઓએ કર્તવ્ય દાખવ્યું નથી, જુથવાદ, જ્ઞાતિવાદ એ રાજકારણની ઉપજ છે પરંતુ સરકારીતંત્રમાં અને ખાસ કરીને કર્મચારીઓમાં જુથવાદની બાબત નાગરીકો માટે અતિ ગંભીર અને ભયજનક છે, સરકાર કે સરકારના ઉચ્ચ અધિકારીઓએ આની ગંભીર નોંધ લઇ, આંતરીક બદલીઓ તથા દોષી જણાતા કર્મચારીઓ વિરુધ્ધ શિક્ષાત્મક પગલા તાકીદે લેવા જોઈએ તેવી લોક લાગણીઓ ઉઠી રહી છે,

મહત્વના ટેબલ પર પોતાની પસંદગીના કર્મચારીઓનો આગ્રહ રાખતા સીનીયરો તથા કેટલાક અધિકારીની ઊંડી માહિતી મેળવવી જોઈએ, તો આવી પસંદગીનું તથ્ય જરૂર ધ્યાને આવે અને એજન્સીઓ દ્વારા નીમવામાં આવતા કર્મચારીઓ અથવા ખાનગી કર્મચારીઓનો દાયરો વહીવટીતંત્ર એ જ ખુદે જ નક્કી કરવો જોઈએ જેથી આવા કથિત એજન્ટો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી ન શકે, આવી પધ્ધતિનું એક કારણ એ પણ હોય છે કે આવો કોઈ કર્મચારી ભ્રષ્ટાચાર કરતો પકડાય તો જે તે એજન્સીને તે કર્મચારી પરત કરવા સિવાય કોઈ પગલાં ભરી ન શકાય ત્યારે આવા કેટલાક એજન્ટો કયા કયા સરકારી કર્મચારી કે અધિકારી માટે દાનાપાની (ગેર વહીવટનું એક વ્યાપક નામ) શોધી આવે છે એની ઊંડી તપાસ થવી જોઈએ

રાજ્ય સરકાર અને જીલ્લા વહીવટીતંત્ર પાસે લોકોની અપેક્ષા છે કે તંત્રના ઉચ્ચ અધિકારીઓ લોકહિત માટે માનવતા દાખવીને બેકાબુપણે વ્યાપી રહેલી આવી લાપરવાહીઓ, મનમાનીઓ અને બદીઓને તાકીદે કાબુ કરે તથા સાવ નાબુદ કરે અને ખાનગી કર્મીઓની આડમાં સરકારી કર્મીઓ જે ભ્રષ્ટાચાર તથા દાનાપાની મેળવે છે તેને નાબુદ કરે, જો આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે તો રાશનકાર્ડમાં ડમીનામ (ભૂતિયા રાશનકાર્ડ) તથા એજન્સીના કર્મચારીઓ માટે ભલામણો તથા પસંદગીઓના કાળા કારનામાં જરૂર બહાર આવી શકે તેમ છે. આ અંગે જીલ્લાના જાગૃત નાગરીકો જો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે તો આવા અનેક કૌભાંડો ઉજાગર થાય તેમ છે તેમજ લોકહિત માટે લોકકલ્યાણના માર્ગો વધુ સરળ બનાવી શકાય તેમ છે