- – નલિયામાં ૩.૨ સાથે ઠંડુંગાર : અમદાવાદમાં ૮.૩
- – કચ્છ-અમદાવાદ-ગાંધીનગર-વડોદરા-રાજકોટ-ભાવનગરમાં ૩ દિવસ ‘સિવિયર’કોલ્ડવેવની આગાહી
અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં શિયાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૃ કરતાં ગાત્રો ગાળતી ઠંડીનો પ્રારંભ થઇ ગયો છે. ૮ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો છે, જેમાં નલિયા ૩.૨ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે. અમદાવાદમાં ૮.૩ ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ૩ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં ‘સિવિયર’ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતમાં હાલ ઉત્તર દિશાનો પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હજુ આગામી ૩ દિવસ દરમિયાન કોલ્ડવેવની સ્થિતિ રહેશે. મંગળવારે કચ્છ-અમદાવાદ-બનાસકાંઠા-સાબરકાંઠા-ગાંધીનગર-વડોદરા-રાજકોટ-સુરેન્દ્રનગર-ભાવનગર-જુનાગઢ, બુધવારે કચ્છ-અમદાવાદ-બનાસકાંઠા-સાબરકાંઠા-ગાંધીનગર-વડોદરા-રાજકોટ-સુરેન્દ્રનગર-ભાવનગર-જુનાગઢ, ગુરુવારે કચ્છ-બનાસકાંઠા-સાબરકાંઠા-રાજકોટ-સુરેન્દ્રનદગર-ભાવનગર-જુનાગઢમાં સિવીયર કોલ્ડવેવ રહેશે. ‘આમ, આગામી ૩ દિવસ દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. અમદાવાદમાં ૨૪.૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩.૯ ડિગ્રીનો ઘટાડો જ્યારે ૮.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૪ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આમ, અમદાવાદમાં ગત રાત્રિએ વર્તમાન સિઝનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ડિસેમ્બરમાં લઘુતમ તાપમાન ૯ ડિગ્રીથી નીચે ગયું હોય તેવું છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર પાંચમી વખત બન્યું છે. ૧૫ ડિસેમ્બર ૨૦૧૪ના ૭.૪ ડિગ્રી સાથે છેલ્લા ૧૦ વર્ષનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. ૨૭ ડિસેમ્બર ૧૯૮૩ના ૩.૬ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી, જે ઓલટાઇમ લોએસ્ટ ટેમ્પરેચર છે.
આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાન ૭ ડિગ્રી સુધી ઘટે તેની પૂરી સંભાવના છે. અમદાવાદમાં ૩૧ ડિસેમ્બરથી ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાઇ શકે છે. ગત રાત્રિએ રાજ્યના ૮ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં નલિયા-અમદાવાદ ઉપરાંત કંડલા-ડીસા-ગાંધીનગર-કેશોદ-રાજકોટનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી?
શહેર ઠંડી
નલિયા ૩.૨
કંડલા ૫.૫
ડીસા ૬.૭
ગાંધીનગર ૭.૫
કેશોદ ૮.૦
અમદાવાદ ૮.૩
રાજકોટ ૮.૫
સુરેન્દ્રનગર ૯.૫
અમરેલી ૧૦.૦
ભૂજ ૧૦.૨
પોરબંદર ૧૦.૪
વડોદરા ૧૧.૨
ભાવનગર ૧૧.૨
મહુવા ૧૧.૫
દીવ ૧૧.૫
વલસાડ ૧૩.૪
સુરત ૧૫.૨
અતિ તીવ્ર ઠંડીમાં શું ધ્યાન રાખવું?
સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા તો કોલ્ડવેવનો એક્શન પ્લાન જારી કરાયો નથી પરંતુ, હવામાન ખાતાની માર્ગદર્શિકા પ્રમાણે આ તીવ્ર ઠંડીમાં…
- ઘરમાં સગડી કે હીટર વાપરતા હોય તેઓએ પૂરતુ વેન્ટીલેશન (હવાની અવરજવર) રાખવી. નહી તો ટોક્સીક વાયુ શ્વાસમાં જઈ શકે છે.
- સુકા હવામાનમાં પણ ઈલે.શોકની શક્યતા વધે, ઈલે.સાધનો વાપરવામાં સાવચેતી રાખવી.
- ક્રીમ કે તેલથી ત્વચા પર લગાડતા રહેવું.
- વિટામીન-સી યુક્ત ફળો-શાકભાજી લેવા.
- પૂરતું પાણી પીવું. શક્ય એટલું હૂંફાળુ પાણી ઉપયોગી.
- આલ્કોહોલ (શરાબ)નું સેવન ન કરવું તેનાથી બોડી ટેમ્પરેચર ઘટી શકે છે.
- ઠંડા પવનો વચ્ચે બહાર જવાનું શક્ય એટલું ટાળવું.( બહાર જતા પહેલા કાંઈ ન થાય તેવી માનસિકતા છોડી ગરમવસ્ત્રો પહેરવા,કાન,મોં,માથુ ઢંકાય તે રીતે. કોરોનાથી બચવા પણ તે ઉપયોગી.
- શરીરને સુકુ રાખવું,કોઈ રીતે ભીજાવા દેવું નહીં.
- ત્વચા કાળી પડે તો તબીબનો સંપર્ક સાધવો.