દિલ્હી લિકર પોલિસી કૌભાંડ (Delhi Liquor Policy Scam) સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ (Supreme Court) ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે. આ સાથે સુપ્રીમકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કહ્યું હતું કે તેઓ આગામી 2 જૂને આત્મસમર્પણ કરી દે. જસ્ટિસ ખન્નાએ તેમને જામીન આપવાનો ચુકાદો સંભળાવ્યો હતો.

કપિલ સિબ્બલે કોર્ટમાં કરી આ દલીલ… 

કેજરીવાલ વતી કપિલ સિબ્બલે સુપ્રીમકોર્ટમાં દલીલો કરી હતી. તેમણે ઈડીની દલીલ પર જવાબ આપતાં કહ્યું હતું કે ઇડીની દલીલ યોગ્ય છે કે ચૂંટણી પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર હેઠળ નથી આવતો. પરંતુ હાં, કાયદા અનુસાર જો કોઈને સજા ફટકારાઈ હોય અને કોર્ટ કહે કે અમે તેના પર સ્ટે આપીએ છીએ તો તે ચૂંટણી પ્રચારમાં જોડાઈ શકે છે. 

આમ આદમી પાર્ટીને મોટી રાહત 

સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કેજરીવાલ માટે લોકસભા ચૂંટણી વચ્ચે મોટી રાહત મનાઈ રહ્યો છે. હવે તેઓ ફરી એકવાર આમ આદમી પાર્ટીમાં પ્રાણ ફૂંકી શકશે. તેઓ બાકીના તબક્કાઓના ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લઈ શકશે. તેમને 1 જૂન સુધીનો સમય મળી ગયો છે અને 2 જૂને તેમને ફરી આત્મસમર્પણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

અગાઉ સુપ્રીમકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો 

ઉલ્લેખનીય છે કે સુનાવણીના એક દિવસ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વચગાળાના જામીનનો વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. ઈડી અને કેજરીવાલના વકીલ વચ્ચે સુપ્રીમકોર્ટમાં લાંબા સમય સુધી દલીલો ચાલી હતી. અગાઉ સુપ્રીમકોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખી 10 મેના રોજ સુનાવણી નક્કી કરી હતી આજે આખરે ચુકાદો આપી દીધો. જોકે સુપ્રીમકોર્ટે આખરે કેજરીવાલને વચગાળાની જામીનનો નિર્ણય આપતાં જ આપના કાર્યકરોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી અને તેઓ સુપ્રીમકોર્ટના પરિસરમાં જ આમ આદમી પાર્ટી જિંદાબાદની નારેબાજી કરવા લાગ્યા હતા.