આવતીકાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સિરીઝ શરુ થવાની છે. પરંતુ આ સિરીઝ શરુ થતા પહેલા સાઉથ આફ્રિકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત સામે રમાનાર T20I સિરીઝમાંથી સાઉથ આફ્રિકા(Lungi Ngidi Ruled Out From IND vs SA T20I Series)નો મુખ્ય ફાસ્ટ બોલર લુંગી એનગિડી બહાર થઇ ગયો છે. મળેલા અહેવાલો મુજબ લુંગી એનગિડીને ડાબા પગમાં ઈજાને કારણે બહાર થવું પડ્યું હતું અને ઈજામાંથી બહાર ન આવી શકવાને કારણે તેને આખી સિરીઝ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

લુંગી એનગિડીના બહાર થયા બાદ આ ખેલાડીને મળી તક

ભારત સામે રમાનાર T20I સિરીઝ માંથી લુંગી એનગિડીના બહાર થયા બાદ બ્યુરોન હેન્ડ્રીક્સને બે વર્ષ બાદ પુનરાગમન કરવાની તક મળી છે. બ્યુરોન હેન્ડ્રીક્સ છેલ્લે આફ્રિકા તરફથી વર્ષ 2021માં રમ્યો હતો. હેન્ડ્રીક્સે અત્યાર સુધી 1 ટેસ્ટ, 8 ODI અને 19 T20I મેચ રમી છે. હેન્ડ્રિક્સના T20 રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી તેણે 19 મેચમાં 25 વિકેટ લીધી છે અને આ દરમિયાન તેણે 9.19ની ઈકોનોમીથી રન આપ્યા છે.

લુંગી એનગિડીના બહાર થવાથી સાઉથ આફ્રિકાનું બોલિંગ અટેક થયું નબળું

ભારત સામે રમાનાર T20I સિરીઝમાં સાઉથ આફ્રિકાની ટીમે તેના મુખ્ય ફાસ્ટ બોલર કાગીસો રબાડાને આરામ આપ્યો છે અને હવે લુંગી એનગિડીના બહાર થવાથી સાઉથ આફ્રિકાનું બોલિંગ અટેક નબળું દેખાઈ રહ્યું છે. હવે T20I સિરીઝમાં સાઉથ આફ્રિકાના બોલિંગ અટેકની જવાબદારી ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્જર, ઓટનીલ બાર્ટમેન અને લિઝાડ વિલિયમ્સ પર રહેશે, જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહુ ઓછો અનુભવ છે.

આવતીકાલે રમાશે પ્રથમ T20I મેચ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20I સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે ડરબનમાં રમાનાર છે. તે પછીની બંને મેચો 12 અને 14 ડિસેમ્બરના રોજ જોહાનસબર્ગમાં રમાશે. ત્રણ T20I મેચ રમ્યા બાદ 17થી 21 ડિસેમ્બર સુધી બંને ટીમો વચ્ચે ત્રણ ODI મેચ રમાશે અને તે પછી બંને ટીમો 26 ડિસેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝમાં આમને-સામને થશે.