દુકાનના વકરા બાબતે ઝઘડો થતાં સાસુ પર હુમલો કરતી વિધવા પુત્રવધુ

વડોદરામાં રાજ મહેલ રોડ નહેરુ ભવન પાછળ મહાવીર કોલોનીમાં રહેતા 61 વર્ષના અવંતિકાબેન ગિરીશભાઈ શાહ ઘરકામ કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા પતિ ગીરીશભાઈ તથા મારા દીકરા કૃતેશની વિધવા પત્ની યામિની અને પ્રપુત્ર સાથે રહું છું. મારા પતિ દાંડિયા બજાર ચાર રસ્તા પાસે આવેલ અમૃત રસઘરની સામે નિયતિ ક્રિએસન નામની કપડાની દુકાન ચલાવે છે.

ગત બીજી તારીખે હું મારા પતિ સાથે દુકાને હતી ત્યારે બપોરે પોણા બે વાગ્યે મારા દીકરાની પત્ની યામિની દુકાને આવી હતી અને મારા પતિને કહ્યું હતું કે આજથી હું દુકાને બેસીશ અને દુકાનનો વકરો હું લઈ જઈશ. મારા પતિએ તેને જણાવ્યું હતું કે તું દુકાને બેસ પરંતુ દુકાનનો વકરો તને મળશે નહીં. જેથી તે એકદમ ઉસ્કેરાઈ ગઈ હતી અને મારા પતિને ગાળો બોલવા લાગી હતી. યામિનીએ મને મોઢાના ભાગે મુક્કો મારી દીધો હતો અને માર માર્યો હતો ત્યારબાદ તે ત્યાંથી જતી રહી હતી.