આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થઈ શકે એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા માટે ખતરાની ઘંટડી!

ભારતીય ટીમે ODI World Cup 2023ની 6 લીગ મેચોમાં તેના પ્લેઇંગ ઈલેવનમાં એકપણ ફેરફાર કર્યો નથી. જો કે લીગ સ્ટેજની શરૂઆતની કેટલીક મેચોમાં ટીમમાં ફેરફાર થયા હતા. પરંતુ હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થયા બાદ ભારતીય ટીમ ત્રણ પેસર અને બે સ્પિનર સાથે તમામ મેચ રમી અને જીતી પણ હતી. જો કે હવે જે સંકેતો મળી રહ્યા છે તેનાથી એવું લાગી રહ્યું છે કે ODI World Cup 2023 ફાઈનલમાં ભારતીય ટીમમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે.

ભારતીય ટીમમાં થઇ શકે અશ્વિનની એન્ટ્રી

ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવનમાં રવિચંદ્રન અશ્વિનને સામેલ કરવામાં આવી શકે છે. આ પહેલા અશ્વિન ઓસ્ટ્રેલિયા સામેની લીગ મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતો. ભારતે તે મેચ જીતી હતી. તે મેચમાં અશ્વિને 10 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે મેચોની સિરીઝ રમાઈ હતી. અશ્વિન તે સિરીઝનો ભાગ હતો. આ ઉપરાંત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તે સિરીઝમાં હરાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયા સામે ઘાતક સાબિત થાય છે અશ્વિન

રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરતો રહ્યો છે ખાસ કરીને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનો સામે. ઓસ્ટ્રેલિયાની ઇનિંગની શરૂઆત ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ કરે છે, બંને લેફ્ટ હેન્ડર બેટ્સમેન છે. આવી સ્થિતિમાં અશ્વિન ઘાતક સાબિત થઇ શકે છે. આ ઉપરાંત વોર્નર સામે અશ્વિનનો રેકોર્ડ પણ શાનદાર છે. વોર્નર અશ્વિન સામે સંઘર્ષ કરતો હોય છે. આ સાથે એવું માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદના સ્ટેડિયમની પિચ સ્પિનર્સ માટે વધુ અનુકુળ થઇ શકે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ રવિચંદ્રન અશ્વિન સહિત ત્રણ સ્પિનર્સ સાથે મેદાન પર ઉતરી શકે છે.