નેધરલેન્ડ્સ સામે ભારતીય ટીમ રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત ટોપ-5 ખેલાડીઓએ ફટકારી ફિફ્ટી

 ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગઈકાલે ODI World Cup 2023ની અંતિમ લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરે ઈતિહાસ રચી દીધો હતો. ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હતી. ઈતિહાસ(Top-5 Players Of The Indian Team Scored Fifty First Time In World Cup)માં પ્રથમ વખત ભારતીય ટીમના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારવાનું કારનામું કર્યું હતું. ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલે 50 રનનો આંકડો પાર કર્યો હતો.

વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત થયું આવું

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 54 બોલમાં 61 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 32 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલીએ 56 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ પછી શ્રેયસ અય્યર અને કે.એલ રાહુલે 50 રનના આંકડાને પાર કર્યો હતો. વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ટોપ-5 ભારતીય બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી આ સિદ્ધિ મેળવી છે. જો કે વનડે ઈતિહાસમાં આવું 2 વખત થઇ ચુક્યું છે પરંતુ ODI World Cupમાં પ્રથમ વખત આવું થયું છે.

ઓસ્ટ્રેલિયાએ વનડે ઈતિહાસમાં 2 વાર કર્યું આવું

ઓસ્ટ્રેલિયાની ટીમે વનડે ઈતિહાસમાં પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના ટોપ-5 બેટ્સમેનોએ વર્ષ 2013માં ભારત સામે 50 રનના આંકને પાર કર્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ જયપુરમાં રમાઈ હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2020માં ભારત સામે ફરી આ સિદ્ધિ હાંસલ કરી, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમના ટોપ-5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી.