દક્ષિણ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ચંદ્ર મોહનનું 82 વર્ષની વયે નિધન

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ અભિનેતા ચંદ્ર મોહનનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  

તેમને તમિલનાડુના સર્વોચ્ચ સન્માન સહિત અનેક પુરસ્કારો મળ્યા

દક્ષિણ ભારતના સૌથી પ્રતિભાશાળી અભિનેતા અને કોમેડિયન મલ્લમપલ્લી ચંદ્ર મોહનનું આજે 82 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેમણે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સની એક ખાનગી હોસ્પિટલમાં આજે સવારે 9.45 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા ચંદ્ર મોહન હૃદય સંબંધિત બીમારીની સારવાર લઈ રહ્યા હતા. તેમને તમિલનાડુના સર્વોચ્ચ સન્માન સહિત અનેક પુરસ્કારો મળ્યા હતા. 

900થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ

અભિનેતા ચંદ્ર મોહનનો જન્મ 23 મે, 1941ના રોજ થયો હતો. તેમણે પોતાના કરિયરની શરૂઆત 1966માં ફિલ્મ ‘રંગુલા રત્નમ’થી કરી હતી અને ત્યાર બાદ તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. તેણે શ્રીદેવી, જયાપ્રદા, જયાસુધા જેવી અભિનેત્રીઓ સાથે પણ કામ કર્યું હતું. અભિનેતાએ તેની કારકિર્દીમાં લગભગ 935 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી ઘણી ફિલ્મોમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.