ખાલિસ્તાની (Khalistani) સમર્થક હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની જૂનમાં થયેલી હત્યા મામલે ભારત-કેનેડા વચ્ચે ઘણા સમયથી વિવાદો (India-Canada Controversy) ચાલી રહ્યા છે, ત્યારે કેનેડામાં ફરી ભારત વિરોધી અપમાનજનક કૃત્ય કરાયું હોવાની ઘટના સામે આવી છે. ખાલિસ્તાની સમર્થકોએ દશેરા પર્વે ઓટ્ટાવામાં ભારતીય ત્રિરંગામાં લપેટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) તેમજ ભારતીય દૂતાવાસના અધિકારીઓના પુતળા સળગાવ્યા… આ દરમિયાન ખાલિસ્તાનીઓએ ભારત અને હિન્દુ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

અગાઉ પણ કરાયું હતું ભારતીય ત્રિરંગાનું અપમાન

ગત મહિને જ કેનેડાઈ શિખોએ ઓટ્ટાવામાં ભારતના હાઈકમિશન ઉપરાંત ટોરંટો અને વૈંકૂવરમાં કાઉન્સિલરની બિલ્ડિંગ બહાર પ્રદર્શન કર્યા હતા. આ ખાલિસ્તાની સમર્થકો નિજ્જરની હત્યાનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન પણ તેઓએ ત્રિરંગા ઉપરાંત વડાપ્રધાન મોદીનું પુતળું સળગાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, હરદીપ સિંહ નિજ્જરની હત્યાના વિવાદ મામલે ભારતે તાજેતરમાં જ કેનેડાના 41 રાજદૂતોને હાંકી કાઢ્યા હતા.