વડોદરાના પોશ એરિયામાં વૈભવી બંગલો ભાડે રાખી ચાલતું કુટણખાનું પકડાયું

વડોદરા શહેરમાં પોશ એરિયામાં કોઈને પણ ગંધ ન આવે તે રીતે વૈભવી બંગલો ભાડે રાખી પરપ્રાંતિય યુવતીઓ મારફતે કુટણખાનું ચલાવવાના રેકેટનો મહિલા પીઆઈ અને ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર યુવતીઓને છોડાવી એક દલાલની અટકાયત કરી છે.

જુના પાદરા રોડની શાંતિ કુંજ સોસાયટીના મનહર ગોળવાળાના આત્રેય બંગલામાં પરપ્રાંતીય યુવતીઓને લાવી કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા એનટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડયો હતો.

પોલીસે ચાર પરપ્રાંતીય યુવતીઓને છોડાવી બંગલામાં રહેતા મોહમ્મદ સૈફુદ્દીન કમરૂદ્દીન (મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળ) ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચારેક મહિનાથી વૈભવી બંગલો ભાડે રાખી કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની વિગતો ખુલી હતી.

પીઆઇ ડો.ભાવના પટેલે જણાવ્યું હતું કે, મૂળ નેપાળનો રહેવાસી વિપુલ ગોસ્વામી અને કોલકાતા થી આવેલો મો.સૈફુદ્દીન બંગલો ભાડે રાખીને આ કુટણખાનું ચલાવી રહ્યા હતા. જેથી આ બંગલો ભાડે રાખ્યાનો કરાર કરવામાં આવ્યો છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. યુવતીઓને બંગલામાં રાખી રૂ. 5000 કે તેથી વધુ રકમમાં ગ્રાહકો મોકલવામાં આવતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેપી રોડ પોલીસ વધુ તપાસ કરી રહી છે.