દિલ્હીના CM કેજરીવાલ અને સંજયસિંહને 11 ઓગસ્ટની સુનાવણી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનની ડીગ્રી પર અયોગ્ય શબ્દો ઉચ્ચાર્યા હતા. બીજા દિવસે AAPના સાંસદ સંજય સિંઘે પણ વડાપ્રધાનની ડીગ્રીને લઈને પ્રેસ કરી હતી તેમજ ટ્વીટર હેન્ડલ પર વિગતો મૂકી હતી. આ પ્રેસ અને ટ્વીટમાં ગુજરાત યુનિવર્સિટીનો પણ ઉલ્લેખ કરાયો હતો.  યુનિવર્સિટીના કુલ સચિવ ડો. પિયુષ પટેલે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાવી હતી. આજે તેની પર અમદાવાદ મેટ્રો કોર્ટમાં વધુ સુનવણી હાથ ધરવામાં આવી હતી.આજની સુનવણીમાં પણ કેજરીવાલ અને સંજયસિંહ કોર્ટ સમક્ષ ઉપસ્થિત નહોતા રહ્યા. તેમના વકીલ દ્વારા કોર્ટમાં ઉપસ્થિતિમાંથી મુક્તિ આપવા અરજી કરાઈ હતી. 

અગાઉ મેટ્રો કોર્ટ બે વખત સમન્સ કાઢી ચુકી છે

ગુજરાત યુનિવર્સીટીના વકીલ દ્વારા આ અરજીનો વિરોધ કરાયો હતો. યુનિવર્સિટીના વકીલે રજુઆત કરી હતી કે આરોપીઓ એક યા બીજા બહાને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થતા નથી જેથી તેમની સામે વોરંટ જાહેર કરવામાં આવે. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ મેટ્રો કોર્ટ બે વખત સમન્સ કાઢી ચુકી છે. ગત સુનવણીમાં દિલ્હીમાં પૂરની પરિસ્થિતિને લઈને આરોપીઓ હાજર નહોતા રહી શક્યા. ગુજરાત યુનિવર્સિટીએ પણ આ બાબત માન્ય રાખી હતી. જ્યારે આજે મેટ્રો કોર્ટના સમન્સ રદ્દ કરવા આરોપીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં કરાયેલ અરજી મુદ્દે યુનિવર્સિટીના વકીલે કહ્યું હતું કે સેશન્સ કોર્ટે તેની ઉપર સ્ટે નથી આપ્યો.

બંને કોર્ટમાં ઉપસ્થિત રહે તે માટે બાંહેધરી માંગી

આરોપીના વકીલની દલીલ હતી કે હજી પણ દિલ્હીના માથે પૂરની આફત છે. સંજય સિંહ મણિપુરની ઘટનાના વિરોધમાં પોતાનું દાયિત્વ નિભાવી રહ્યા હોવાથી તેઓ ઉપસ્થિત થયા નથી. કોર્ટે આ મુદ્દે 11 ઓગસ્ટે બન્ને આરોપી કોર્ટમાં ઉપસ્થિત રહે તે મુદ્દે બાંહેધરી માંગી હતી. જે મુદ્દે આરોપીઓના વકીલ દ્વારા હકારાત્મક જવાબ અપાયો હતો. જો કે મેટ્રો કોર્ટના સમન્સ અંગે આરોપીઓ દ્વારા સેશન્સમાં કરાયેલ અપીલ બાબતે 05 ઓગસ્ટે સુનવણી હોવાથી આરોપીઓને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળે તેવી શકયતા છે.