મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. 3 મેથી રાજ્યમાં હિંસા ફાટી નીકળી છે અને સ્થિતિ નિયંત્રણની બહાર છે. આવી સ્થિતિમાં ભાજપ સરકાર પર પણ મુખ્યમંત્રી બદલવાનું દબાણ છે. મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે અને તેઓ આજે રાજીનામું આપી શકે છે તેવી ચર્ચા છે. મુખ્યમંત્રીએ બપોરે 1 વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. આ દરમિયાન તેઓ રાજીનામું આપી શકે છે.

મુખ્યમંત્રી બિરેન સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત

મુખ્યમંત્રી બિરેન સિંહે રવિવારે જ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે વાતચીત થઈ હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, મેં ગૃહમંત્રીને કહ્યું છે કે મણિપુરમાં અત્યારે કેવી સ્થિતિ છે અને કેવી રીતે સ્થિતિ સુધરી રહી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સ્થિતિ હવે સુધરી રહી છે અને કેન્દ્ર સરકારની મદદથી સ્થિતિ નિયંત્રણમાં છે. આ તણાવ કુકી અને મીતેઈ સમુદાયના લોકો વચ્ચે છે.

હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત

એન. બિરેન સિંહ પણ મેઇતેઈ સમુદાયના છે અને કુકી સમુદાય સાથે સંકળાયેલા સંગઠનો દ્વારા તેમના પર પક્ષપાતનો આરોપ મૂકવામાં આવ્યો છે. મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. રાજધાની ઇમ્ફાલ સહિત ઘણા જિલ્લાઓમાં હિંસા ચાલુ છે અને મુખ્યમંત્રી બિરેન સિંહ પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ ન હોવાના નિશાના પર છે.