કલોલના અંબિકા નગર હાઇવે પર અકસ્માતો અટકવાના નામ લઈ રહ્યા નથી. હાઇવે પર ટ્રક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની અટકાયત કરી હતી. ક્લોલમાંથી પસાર થતો અમદાવાદ -મહેસાણા ટોલરોડ જોખમી પુરવાર થઈ રહ્યો છે. છેલ્લા એક માસ દરમિયાન અનેક અકસ્માત સર્જાઈ ચુક્યા છે. આ અકસ્માતોમાં દસથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. હાઇવે સાંકડો પડતા વાહન ચાલકોને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.

ટ્રક રેલિંગ તોડી ડિવાઈડર પર ચડી ગઈ
સોમવારે અંબિકા હાઈવે પર બે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઘટનાની વિગત અનુસાર બાડમેરથી આણંદ જવા નીકળેલ કાર ક્લોલના અંબિકા નગર હાઇવે પરથી પસાર થઈ રહી હતી. કાર કલોલ તાલુકા પોલીસ સ્ટેશન આગળ પહોંચી હતી ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા કારને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરના પગલે કાર અને ટ્રક હાઇવેનો રેલિંગ તોડી ડિવાઈડર પર ચડી ગઈ હતો. 

કારમાં રહેલા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ સ્કોર્પિયોને પણ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર થયેલ અકસ્માતમાં કારમાં રહેલા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા.જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ અકસ્માત થતા હાઇવે પર વાહનોની લાંબી લાઈન લાગી જતા ટ્રાફિકજામ થયો હતો જેને પોલીસે ખુલ્લો કરાવ્યો હતો. ગફલતભરી રીતે ટ્રક હંકારી અકસ્માત સર્જનાર ટ્રકચાલકની અટકાયત કરી કાયદાકીય કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

સરકારી તંત્ર ક્યારે કામગીરી હાથ ધરશે
કલોલ હાઇવે પર સતત અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. છાસવારે અકસ્માત થતા નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. ટોલ હાઇવેને પહોળો કરવાની ફક્ત વાતો જ થઈ રહી છે. સિક્સલેન બનાવવા માટે બજેટમાં બબ્બે વખત જાહેરાત કરવામાં આવી હોવા છતાં કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને કારણે વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે.

By admin