પર્વતીય વિસ્તારો અંગે ચેતવણી ગૃહ મંત્રાલય એલર્ટ.

છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતમાં બદલાયેલા હવામાનને લઈને પર્વતો પર ચેતવણી જારી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી પર્વતો પર વાદળ ફાટવા જેવી મોટી ઘટનાઓની આગાહી કરવામાં આવી છે. તેને જોતા હવામાન વિભાગે પહાડો પર રહેતા લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. આ સિવાય જે લોકો પહાડો પર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, તેમને હાલ પહાડો પર ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના મહાનિર્દેશકના જણાવ્યા અનુસાર, મેદાની વિસ્તારોમાં શુક્રવાર સુધી અને પહાડી વિસ્તારોમાં ગુરુવાર સુધી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ હવામાનની સ્થિતિને લઈને એલર્ટ પર છે.

પર્વતો પર વાદળ ફાટવાની આગાહી 

હવામાન વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ધનંજય મહાપાત્રાનું કહેવું છે કે, પર્વતોમાં જે રીતે સ્થિતિ સર્જાઈ છે તે અંગે ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને હિમાલયના પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી આવી સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે.