વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્વ ટેસ્ટ સીરીઝ અને વન-ડે સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાએ 12 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં હાર બાદ દરેકને ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારોની આશા હતી. ટીમમાં કેટલાક નવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સરફરાઝ ખાનને સ્થાન ન અપાતા ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર ગુસ્સે થઈ ગયા હતા.

સરફરાઝ ખાન છેલ્લી કેટલીક રણજી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. પરંતુ IPLની 16મી સિઝનમાં તે કંઈ ખાસ કરી શક્યો નહી. 

સુનીલ ગાવસ્કરે સરફરાઝની પસંદગી ન કરવા પર પોતાના નિવેદન આપતા કહ્યું કે, હવે ખેલાડીઓએ રણજી ટ્રોફી રમવાનું બંધ કરી દેવું જોઈએ.

સુનીલ ગાવસ્કરે પોતાના નિવેદનમાં કહ્યું કે, સરફરાઝ ખાન છેલ્લી 3 રણજી સિઝનમાં લગભગ 100ની એવરેજથી રન બનાવી રહ્યો છે. ખેલાડીએ આનાથી વધુ ટીમમાં સ્થાન મેળવવા માટે શુ કરવું જોઈએ? ભલે તે પ્લેઇંગ 11નો ભાગ ન બની શકે, પરંતુ તમારે તેને ટીમમાં સામેલ કરવો જ જોઇએ.

ગાવસ્કરે વધુમાં કહ્યું કે, તમારે તેના પ્રદર્શનને શ્રેય આપવાની જરૂર છે. નહિંતર, રણજી ટ્રોફી રમવાનું બંધ કરી દેવુ જોઈએ. કહો, તેનો કોઈ ફાયદો નથી, તમે ફક્ત આઈપીએલ રમો અને વિચારો કે તમે લાલ બોલની રમત માટે પણ પૂરતા છો.

સુનિલ ગાવસ્કરે વધુમાં ઉમેર્યું હતું કે, “વેસ્ટ ઈન્ડિઝ સામે, પસંદગીકારોએ વધુને વધુ યુવા ખેલાડીઓને તક આપવી જોઈતી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવાનો હતો, જે ખેલાડીઓ હાલના સમયમાં સતત રમી રહ્યા છે. પસંદગીકારોએ અહીં યુવા ખેલાડીઓને તક આપવાનો સમય ગુમાવી દીધો છે.”

બીજી તરફ ગાવસ્કરે પુજારાને ટેસ્ટ ટીમમાં સામેલ ન કરવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે “પુજારાને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. અન્ય બેટ્સમેનો પણ ખરાબ રમ્યા છે પરંતુ પૂજારાને બલિદાન આપવું પડ્યું.”

ટેસ્ટ ટીમ: રોહિત શર્મા (c), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (vc), KS ભરત (wk), ઈશાન કિશન (wk), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.