કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડાના કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને નહીં ફસાવવાના બદલામાં એનસીબીના મુંબઈના તત્કાલીન વડા સમીર વાનખેડેએ શાહરુખ પાસેથી ૨૫ કરોડની લાંચ માગી હોવાના કેસમાં હાથ ધરાયેલી તપાસના ભાગરુપે સીબીઆઈ દ્વારા આગામી દિવસોમાં શાહરુખ ખાન તથા આર્યન ખાનનાં નિવેદન લેવામાં આવી શકે છે. 

વાનખેડેએ સહ આરોપી કિરણ ગોસાવી તથા સેનવીલ ડિસોઝા મારફતે પચ્ચીસ કરોડ રુપિયા માગ્યાનો આરોપ છે. તેમાંથી ૫૦ લાખ રુપિયાની રોકડ ચૂકવવામાં આવી હોવાનું પણ કહેવાય છે. વાનખેડેના સાથીઓએ આ સમગ્ર ડીલ માટે શાહરુખનાં મેનેજર પૂજા દદલાણી સાથે વાતચીત કરી હોવાનું કહેવાય છે. 

સીબીઆઈએ વાનખેડે સામે લાંચ તથા ગુન્હાઈત કાવતરાંનો કેસ નોંધ્યા બાદ તેમની એકથી વધુ વખત પૂછપરછ કરી ચૂકી છે. જોકે, વાનખેડેએ ધરપકડ સામે અદાલતમાંથી રક્ષણ મેળવ્યું હોવાથી તેમની હજુ ધરપકડ થઈ નથી. વાનખેડેન  બોમ્બે વડી  અદાલત દ્વારા મળેલાં રક્ષણની મુદ્દત તા .૨૩મી જૂને પૂરી થઈ રહી છે. તે પછી જો વાનખેડેને રક્ષણ ન લંબાવાય તો તેમની ધરપકડ થઈ શકે છે. તે સમયે શાહરુખ અને આર્યનનાં નિવેદન મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. 

વાનખેડેનાં વડપણ હેઠળની ટીમે ઓક્ટોબર ૨૦૨૧માં કોર્ડેલિયા ક્રૂઝ પર દરોડો પાડી આર્યન ખાન તથા અન્યોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ડ્રગ મળ્યાન ોદાવો કર્યો હતો. જોકે, બાદમાં આ સમગ્ર કેસ બનાવટી પુરવાર થયો હતો અને ખુદ એનસીબીની જ અન્ય ટીમે આર્યન ખાનને ક્લિનચીટ આપી દીધી હતી. આ કેસ વખતે વાનખેડેએ શાહરુખ પાસેથી આર્યનને નહીં ફસાવવા બદલ પચ્ચીસ કરોડ માગ્યાનું કહેવાય છે.

By admin