પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન તરીકે નજમ સેઠીની વિદાય નિશ્ચિત બની ગઈ છે અને તેમનું સ્થાન લેવા માટે ઝકા અશરફ ફેવરિટ મનાય છે. નજમ સેઠીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન બનવા માટેની ચૂંટણી લડવાનો જ ઈનકાર કરી દીધો હતો. જે પછી હવે ઝકા અશરફનો ચેરમેન બનવાનો રસ્તો સાફ થઈ ગયો હોવાનું મનાય છે. તેમને પીસીબીના બોર્ડ ઓફ ગવર્નર્સમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.

નજમ સેઠીએ કહ્યું કે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા આસિફ ઝરદારી અને પ્રધાનમંત્રી શહબાઝ શરિફ જેવા દેશના ટોચના રાજનેતાઓ વચ્ચે ટકરાવનું કારણ બનવા ઈચ્છતો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં થયેલા પરિવર્તનને પગલે એશિયા કપની યજમાની તેમજ ભારતમાં યોજાનારા આઇસીસી વર્લ્ડકપમાં પાકિસ્તાનના રમવા સહિતના મામલાનો સુખદ અંત આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.