શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રવાસી શિક્ષકોની ભરતીમાં ભ્રષ્ટાચારના વિપક્ષનો આક્ષેપ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં 1500થી વધુ શિક્ષકોની ઘટ હોવા છતાં હજી 80થી 85 શિક્ષકોની ભરતી કરી છે તેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. આવા  આક્ષેપ સાથે શિક્ષણ સમિતિમાં પ્રવાસી શિક્ષકોની ભરતી માં શાસકો ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો છે.    

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં નવું સત્ર શરુ થઈ ગયું છે પરંતુ હજી શિક્ષકોની ઘટ નો પ્રશ્ન હલ થયો નથી. શિક્ષણ સમિતિની ગત સામાન્ય સભામાં વિપક્ષે આ મુદ્દે રજૂઆત કરીને શિક્ષકોની ઘટ પુરી કરવા માટેની માગણી કરવા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, શાસકોએ શિક્ષકોની ઘટ જલ્દીથી ભરાઈ જશે તેવી વાત કરી હતી. 

સત્ર શરુ થયાને પખવાડિયા જેટલો સમય થઈ ગયો હોવા છતાં શિક્ષકોની ઘટ પુરી ન થતાં આજે વિપક્ષે  સમિતિ કચેરી ખાતે ફરી એક વાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી સભ્ય  રાકેશ હિરપરાએ જણાવ્યું છે કે હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 300 થી વધુ શાળાઓમાં મળીને કુલ 1500 થી વધુ શિક્ષકોની અછત છે, જેની સામે હાલમાં સમિતિએ માત્ર 80-85 જેટલા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. તેઓએ આક્ષેપ કરતાં કહ્યું છે કે,  જેવી રીતે બાળકોના એડમીશનમાં અને શાળાઓના કાર્યક્રમોમાં ભાજપ દ્વારા રાજકારણ અને લાગવગશાહી વાપરવામાં આવે છે તેવી જ રીતે પ્રવાસી શિક્ષકોની નિમણૂક માં પણ ભાજપના નેતાઓ દ્વારા રાજકારણ અને લાગવગશાહી વાપરવામાં આવી રહી છે.

પ્રવાસી શિક્ષકોની નિમણૂક અને , લાયકાત બાબતે પરિપત્ર થયેલો હોવા છતાં અને પસંદગીનો અધિકાર આચાર્યને આપેલો હોવા છતાં ભાજપના નેતાઓ દ્વારા આચાર્યને દબાણ કરવામાં આવી રહ્યું છે કે લાયકાત ન ધરાવતા હોવા છતાં નેતાઓના સગા-વ્હાલાઓને જ પસંદગી કરવામાં આવે. એવા ઘણાંય પ્રવાસી શિક્ષકો છે જેઓ લાયકાત અને અનુભવ ધરાવે છે તેમજ શાળા માટે અનેક મહિના સુધી વિનામૂલ્યે સેવાઓ આપે છે. આવા સેવાભાવી, અનુભવી અને લાયક ઉમેદવારોનો પ્રથમ અધિકાર છે   તેઓને નિમણૂક આપવામાં આવતી નથી., આવા આક્ષેપને સાબિત કરવા માટે પણ તેઓએ જાહેરાત કરીને ભ્રષ્ટયાચાર બંધ કરવા માટે માગણી કરી છે