વિદેશોમાં રહેતા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ એક પછી એક ટપોટપ મરી રહ્યા હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વાતની નોંધ લેવાઈ રહી છે.
ભારત સરકારે આ તમામ દેશોને મોસ્ટ વોન્ટેડ આતંકીઓને સોંપવા માટે કેટલીય વિનંતીઓ કર્યા પછી પણ આ દેશો ભારતની પરવા કરી રહ્યા નહોતા. હવે જ્યારે આતંકીઓ મોતને ઘાટ ઉતરવા માંડયા છે તો આ દેશોની સરકારો પણ ચોંકી ઉઠી છે.
કેનેડામાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી હરદીપ નિજ્જરની હત્યા એ પહેલી ઘટના નથી.
આ પહેલા મે મહિનામાં પાકિસ્તાનના લાહોરમાં પરમજીત સિંહ પંજવર નામના ખાલિસ્તાની આતંકીની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.
મૂળ જમ્મુ કાશ્મીરના અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી બશીર અહેમદને પણ રાવલપિંડીમાં ફાયરિંગમાં જીવ ગુમાવવો પડ્યો હતો. તે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ભાગી આવ્યો હતો.
22 ફેબ્રુઆરીએ ભારતમાં ઈસ્લામિક સ્ટેટને ફરી શરુ કરવા માંગતા એજાઝ અહેમદ અહંગરની કાબુલમાં હત્યા થઈ ગઈ હતી. તે 1996માં કાશ્મીરમાં જેલમાંથી છુટીને દેશ છોડીને ભાગી ગયો હતો.તેના ત્રણ દિવસ બાદ પાકિસ્તાનમાં સૈયદ ખાલિદ રઝાને તેના ઘરની બહાર જ કોઈએ ખતમ કરી નાંખ્યો હતો. સૈયદ રઝા કાશ્મીરમાં ઘૂસાડાતા આતંકીઓનો ખૂંખાર ટ્રેનર મનાતો હતો.
આ હત્યાને 10 દિવસ જ થયા હતા અને ચાર માર્ચે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી સૈયદ નૂર પણ અજાણ્યા બંદુકધારીઓના હાથે નર્કમાં પહોંચી ગયો હતો. તેની પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખા પ્રાંતમાં હત્યા થઈ હતી.
ગયા અઠવાડિયે લંડનમાં ખાલિસ્તાની નેતા અને ભારતના મોસ્ટ વોન્ટેટ અવતારસિંહ ખાંડાનુ મોત થયુ હતુ. તેને ઝેર આપવામાં આવ્યુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
કેનેડામાં 28 મેની મધરાતે ભારતમાં મોસ્ટ વોન્ટેડ અમરપ્રીત સિંહ સામરાને ગોળીઓ મારી દેવામાં આવી હતી. આ ઘટના ગેંગવોરના કારણે થઈ હોવાનુ કહેવાયુ હતુ.