ટેસ્ટ ક્રિકેટના નંબર વન બોલર રવિચંદ્રન અશ્વિનને ભલે WTCની ફાઈનલ મેચ રમવાની તક ન મળી હોય પરંતુ હાલ તે ભારત પરત ફરી TNPLમાં રમી રહ્યો છે. TNPLમાં અશ્વિન શામ ડિંડીગુલ ડ્રેગન ટીમનો કેપ્ટન છે. આ ટૂર્નામેન્ટની ચોથી મેચમાં અશ્વિનની ટીમનો મુકાબલો ત્રિચીની ટીમ સાથે હતો. આ મેચમાં અશ્વિને કંઈક એવું કર્યું હતું જેની ચર્ચા થઈ રહી છે. અશ્વિન દ્વારા એક જ બોલ પર બે વખત DRS લેવામાં આવ્યું હતું, આવો અનોખો નજારો ક્રિકેટમાં પહેલીવાર જોવા મળ્યો હતો. 

એક જ બોલ પર બે વખત DRS

ત્રિચીની બેટિંગ દરમિયાન 13મી ઓવરમાં અશ્વિન બોલિંગ કરવા આવ્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર બેટ્સમેન રાજકુમારે મોટો શોટ મારવાની કોશિશ કરી પરંતુ બોલ મિસ થઇ ગયો અને વિકેટકીપર પાસે ગયો. આવી સ્થિતિમાં વિકેટકીપર અને અશ્વિને કેચ આઉટ માટે અપીલ કરી હતી અને ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. પરંતુ બેટ્સમેને આ નિર્ણય સામે ડીઆરએસ લેવાનું નક્કી કર્યું હતું. ટીવી રિપ્લે જોયા પછી થર્ડ અમ્પાયરે સંમતિ આપી હતી કે બોલ બેટને નહીં પરંતુ જમીન પર અથડાવાના કારણે અલ્ટ્રા એજ પર લાઈન દેખાય છે. થર્ડ અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટી નાખ્યો અને બેટરને નોટઆઉટ જાહેર કર્યો હતો. આ પછી તરત જ થર્ડ અમ્પાયરે બેટરને નોટ આઉટ આપતાની સાથે જ અશ્વિને તેના વતી DRS લીધું હતું.

અશ્વિને બંને ફિલ્ડ અમ્પાયરો સાથે કરી દલીલો 

અશ્વિને આ પછી ફિલ્ડ અમ્પાયર સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. અશ્વિન બંને ફિલ્ડ અમ્પાયરો સાથે હળવી દલીલ કરતો જોવા મળ્યો હતો. તે પછી થર્ડ અમ્પાયરે બીજી વખત ટીવી રિપ્લેમાં કેચ જોયો અને ફરીથી બેટ્સમેનને નોટઆઉટ આપ્યો હતો. થર્ડ અમ્પાયરનું માનવું હતું કે બોલ બેટ સાથે અથડાતો ન હતો પરંતુ બેટ જમીન પર અથડાતો હોવાને કારણે અલ્ટ્રા એજ પર હિલચાલ દેખાઈ રહી હતી.

અશ્વિનની ટીમને 6 વિકેટથી જીત મળી

આવી સ્થિતિમાં ફરી એકવાર અશ્વિને લીધેલા DRS પર બેટરને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અશ્વિન શાંત થયો અને દલીલો ત્યાં જ છોડી દીધી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ મેચમાં અશ્વિનની ટીમને 6 વિકેટથી જીત મળી હતી.

By admin