સિંગાપુરમાં 2021માં કોરોનાના કારણે સંખ્યાબંધ પ્રતિબંધો લાગુ હતા ત્યારે એક ભારતીય મૂળની મહિલા પર ચીનના એક નાગરિકે માસ્ક નહીં પહેરવા બદલ હુમલો કર્યો હતો. 

ભારતીય મહિલા હિંદોચા નીતા વિષ્ણુભાઈએ આરોપ લગાવ્યો હતો કે, હું વોક કરવા નીકળી હતી ત્યારે માસ્ક પહેર્યુ હતુ પણ તે દિવસે મેં જરા ઝડપથી ચાલવાનુ શરૂ કર્યુ હતુ અને શ્વાસ લેવા માટે માસ્કને નાકની નીચે ઉતાર્યુ હતુ અને આ જોઈને જિંગ ફોંગ તથા તેની ફિઆન્સ ચુઆ હાને બૂમો પાડવાની શરૂ કરી હતી અને મારા પર રંગભેદી ટિપ્પણી કરી હતી. એ પછી જિંગ ફોંગે મને છાતી પર લાત મારી હતી. હું પડી ગઈ હતી અને મારા હાથમાંથી લોહી નિકળવા માંડ્યુ હતુ.  નજીકમાં બસ સ્ટોપ પર બેઠેલી એક મહિલાએ મને ઉભી કરીને પ્રાથમિક સારવાર આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, આ મામલામાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને તેમાં હવે અદાલતે ચીની મૂળના નાગરિક જિંગ ફોંગને દોષી ઠેરવ્યો છે. સમગ્ર ઘટનાને જોનારા એક સાક્ષીએ પણ ભારતીય મહિલાની વાતને સમર્થન આપ્યુ હતુ. 

પોતાના બચાવમાં જિંગ ફોંગે કહ્યુ હતુ કે, મહિલા મારા પર થૂંકી હતી અને એટલા માટે મેં તેને ધક્કો માર્યો હતો. તેના માટે મેં ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો પણ કોઈ રંગભેદી ટિપ્પણી કરી નહોતી. 

જોકે કોર્ટે જિંગને દોષી માન્યો છે અને હવે તેને કોર્ટ સજા ફટકરાશે તેવુ મનાઈ રહ્યુ છે.