બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી અલગ થયું.

અરબ સાગરમાં અતિ ગંભીર સાયક્લોન કેટેગરીમાં પ્રવેશી ગયેલા ‘બિપરજોય’ અંગે હવામાન વિભાગે ગુજરાતમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડાંને કારણે જ ભારતમાં ચોમાસાનું આગમન પણ મોડું થયું છે ત્યારે ચોમાસાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે. ભારતના હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે બિપરજોય વાવાઝોડું ચોમાસાના પ્રવાહથી એકદમ છૂટું પડી ગયું છે એટલે કે હવે વરસાદ સર્જવા માટેની જરૂરી સિસ્ટમ કે પછી તેની કામગીરી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં જોવા મળે.

હવામાન વિભાગે આપ્યા સારા સંકેત

દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા હવામાન વિભાગના વડા મૃત્યુંજન મહાપાત્રાએ કહ્યું હતું કે બિપરજોય વાવાઝોડાંએ અરબ સાગરમાં ભૂમધ્ય રેખા પર પ્રવાહ વધારીને દ્વીપકલ્પના દક્ષિણ ભાગોમાં ચોમાસાને આગળ વધારવામાં મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે હવે તે ચોમાસુ તેના પ્રવાહથી સંપૂર્ણપણે અલગ થઈ ગયું છે. હવે એવી કોઈ મોટી શક્યતા નથી કે આ સાયક્લોન ચોમાસાની ગતિ અથવા કામગીરીને મોટા પાયે અસર કરશે.
ચોમાસું એક અઠવાડિયું મોડું પડ્યું હતું

ચોમાસું તેના સામાન્ય સમયપત્રકના લગભગ એક અઠવાડિયા પછી 8 જૂને ભારતમાં કેરળ પહોંચ્યું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કેરળમાં ચોમાસાની વિલંબથી ઉત્તરપશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થાય તે જરૂરી નથી. એટલા માટે શક્યત: વરસાદ પર ખાસ મોટી અસર પડે તેમ નથી. વૈજ્ઞાનિકોએ અગાઉ કહ્યું હતું કે સાયકલોને ભેજ અને સંવહન ખેંચ્યું છે અને તેના કારણે તે ચોમાસાની તીવ્રતાને અસર કરી છે, આમ કેરળમાં ચોમાસાના વરસાદમાં વિલંબ થયો છે.