અમદાવાદમાં ૩ દિવસ ૩૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે.

બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને પગલે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવવાનું શરૃ થઇ ગયું છે. આજે દિવસ દરમિયાન ૧૦ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો અને ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.

આજે અમદાવાદમાં ૩૭.૯ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૫૯ ટકા અને સાંજે ૪૯ ટકા હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ૩૪ થી ૩૬ ડિગ્રીની આસપાસ સરેરાશ મહત્તમ તાપમાન રહેશે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ૧૩-૧૪ જૂનના વરસાદની સંભાવના ૪૦ થી ૫૦ ટકા વચ્ચે રહેશે. પવનની ગતિએ આવતીકાલે ૨૦ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે બુધવારે ૨૬ કિલોમીટર પ્રતિ કલાકથી વધી શકે છે. ગુરુવારે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી બુધવારથી શુક્રવાર અમદાવાદમાં તોફાની પવન ફૂંકાશે.

આગામી પાંચ દિવસ વરસાદની ક્યાં આગાહી…

  • ૧૩ જૂન : પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ.
  • ૧૪ જૂન: રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, કચ્છ.
  • ૧૫ જૂન: રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, કચ્છમાં ભારે જ્યારે રાજ્યના અન્ય જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ.
  • ૧૬ જૂન: જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, મોરબી, પોરબંદર, કચ્છમાં અતિભારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદ.
  • ૧૭ જૂન: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં અતિભારે, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, કચ્છમાં ભારે વરસાદ.