પોરબંદરની ચોપાટી નજીક ચાઈનીઝ-નોનવેજ રેકડી-કેબીનના ધંધાર્થીઓના દબાણ તંત્રએ દૂર કરતા આજે નગરપાલિકા કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં એવી રજુઆત કરતા હતા કે તંત્રને રેકડી કેબીન નડે છે પણ શહેરમાં અનેક ગેરકાયદેસર થયેલા બાંધકામો કેમ દેખાતા નથી ? અને જો તેઓની માંગણી મુજબ સહમત નહીં થાય તો હાઈકોર્ટમાં લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

પોરબંદરની ચોપાટી પર ચાઇનીઝ ખાણીપીણીની રેકડી દ્વારા વર્ષોથી પેટીયું રળતા નાના ધંધાર્થીઓનું પાલિકાના તંત્રએ દબાણ દૂર કરી દેતા અસંખ્ય પરિવારો બેરોજગાર બની ગયા હોવાનું જણાવ્યું હતું અને ત્યારે કેટલાક રેકડી-કેબીન ધારકો અને આગેવાનોએ નગરપાલિકા કચેરી ખાતે દોડી જઈને પાલિકાના ચીફ ઓફિસર પટેલને લેખિત ઉગ્ર રજુઆત કરતા એવું જણાવ્યું હતું કે પોરબંદર શહેરમાં જે ગેરકાયદેસર બાંધકામો થયા છે તે કેમ દૂર કરવા માટે પાલિકા કાર્યવાહી કરતી નથી અને આવા પ્રકારના બાંધકામો માટે મંજુરી શા માટે આપવામાં આવી હતી ? તેવો સવાલ ઉઠાવ્યો હતો.

એટલું જ નહીં, પરંતુ નગરપાલિકાએ વૈકલ્પિક જગ્યા ફાળવી છે ત્યાં સીમેન્ટ બ્લોક અને સ્ટ્રીટલાઈટ જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ નથી. તેથી તે અંગે પણ યોગ્ય કરવા માંગ થઈ હતી. પાલિકાના અધિકારીએ ટીમને મોકલીને ખાતરી આપી હતી.