પ્રજાને સમાજમાં કેવી રીતે વર્તવું? એવું શિક્ષણ અપાઈ જ નથી રહ્યું. જાહેર જગ્યા એટલે બીજાની અને ફક્ત આપણું ઘર એટલે આપણું

આ પ્રજાનો વાંક નથી :  કારણ કે પ્રજાને સમાજમાં કેવી રીતે વર્તવું?  એવું શિક્ષણ અપાઈ જ નથી રહ્યું. જાહેર જગ્યા એટલે બીજાની અને ફક્ત આપણું ઘર એટલે આપણું. જે પ્રજાના વૈજ્ઞાનિકો રોકેટ છોડતા પહેલા પૂજાપાઠ કરાવે એ પ્રજા કેટલી લાપરવાહ અને અમાનવીય હશે! એમ વિચારો.

જ્યાં પ્રધાનમંત્રી સહીત પક્ષ-વિપક્ષના નેતાઓ દિવસ-રાત મનફાવે એમ જુઠ્ઠું બોલી શકતા હોય અને પાછું એને પ્રજા સપોર્ટ પણ કરતી હોય, બે વખત જીતાડીને PM બનાવતી હોય, એ દેશની પ્રજા આવી ન હોય તો બીજી કેવી હોય? તમે જાતે મહેનત કરો, IAS, IPS, અધિકારી કે કોઈ નોકરી લાગે અને તમે ચાલતા મંદિરે જાવ, કથા કરાવડાવો, નાળિયેર વધેરો, આવા અવૈજ્ઞાનિક અભિગમવાળા અધિકારીઓ પરિવર્તન ક્યાંથી લાવે? સેવાઓ નિષ્ઠાથી ક્યાંથી બજાવે?

 

શાળા, કોલેજનું એક ચેપટર, એક ફકરો બતાવો કે જ્યાં લખ્યું હોય કે જાતિવાદ કરવો એ ખોટું છે. આપણે જાતિનું ગૌરવ લઈને ના ફરવું જોઈએ. પણ જાતિના ગૌરવ આપતા, જાતિવાદ કરતા કેટલાય સંગઠનો, કાર્યક્રમો આપણી પાસે છે. હોળી, દિવાળી, નવરાત્રી વિગેરે હત્યાઓ અને ઘૃણાની ઉજવણી હોઈ અને દર વર્ષે થતી હોય તે પ્રજા એકબીજાને ઘૃણા કરવાનું ના શીખે તો શીખે? ધર્મના નામે અધર્મ શીખવાડવામાં આવી રહ્યો છે. સારું થયું તો ભગવાનની કૃપા અને સારું ના થયું તો મારા પાપ. જે પ્રજા પાપ પણ નદીમાં ધોઈ આવવાનું શીખવાડવામાં આવતું હોય એ પ્રજા લાપરવાહ અને બેજવાબદાર  ના બને તો બીજું શું બને?

પ્રજાનો વાંક નથી. : આ દેશમાં ધર્મના નામે અધર્મ અને સંસ્કૃતિના નામે અસંસ્કૃત વ્યવહાર ચાલી રહ્યો છે, સદીઓથી શીખવાડવામાં આવી રહ્યો છે, તે જવાબદાર છે. અને જ્યાં સુધી ધર્મ ગ્રંથોમાં લખેલો કચરો સમાજમાં ઠાલવાતો બંધ કરવામાં નહિ આવે, ત્યાં સુધી આવું જ ચાલશે. કૌશિક શરૂઆત (અમદાવાદ)