મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનાની જાણકારી માટે પોરબંદર જિલ્લા ગ્રામહાટ ખાતે કેમ્પ યોજાયો

પોરબંદર તા.૯, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હેઠળ ૧૦ મહિલાઓના બનેલા જુથને રૂા.૧ લાખ વ્યાજ મૂક્ત લોન મળી શકે છે. પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ પાસે આવેલા ગ્રામહાટ ખાતે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો. જેમાં જુદી જુદી બેંકના પ્રતિનિધિ તથા સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ. ડી. ધાનાણીએ અપીલ કરી હતી કે ૧૦ બહેનોનું ગ્રુપ/ મંડળ બનાવીને સરકારની આ યોજનાનો વધુ ને વધુ લાભ લઈને આત્મનિર્ભર બને. સરકાર એક ગ્રુપના રૂ. એક લાખની લોન વગર વ્યાજે આપે છે, જે રકમ દર મહિને હપ્તા ભરીને ચૂકવવાની રહેશે. આ લોનની રકમ કાચો માલ, મટીરીયલ સહિતની વેચાણ માટે ખરીદવામાં આવતા માલની ખરીદી માટે ઉપયોગી બનશે. બહેનોને ચીજ વસ્તુઓના વેચાણ માટે જગ્યા પણ ફાળવવામાં આવશે. કેમ્પમા બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે સામાજિક અંતર રાખી માસ્ક પહેર્યું હતું. તથા કેમ્પમાં ઉપસ્થિત તમામનું હેલ્થ સ્ક્રીનીંગ જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા કરાયું હતું.