GST કાઉન્સિલમાં કોંગ્રેસી-બિનકોંગ્રસી રાજ્યો આમનેસામને, ગુજરાત કેન્દ્રની સૂચનાથી રિઝર્વ બૅન્ક પાસે 9000 કરોડની લોન લેવા તૈયાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની આજે મળેલી બેઠકમાં કોન્ગ્રેસી અને બિનકોન્ગ્રેસી રાજ્યો આમને સામને આવી ગયા હતા. બિન કોન્ગ્રેસી રાજ્યોએ કોરોનાને કારણે કેન્દ્રની જીએસટીની ઘટેલી આવકના સમયમાં રિઝર્વ બૅન્ક પાસેથી લોન લેવાની કેન્દ્રની દરખાસ્તને ઠુકરાવી દીધી હતી. તેમાં પશ્ચિમ બંગાળ સહિતના બિન કોન્ગ્રેસી રાજ્યોનો સમાવેસ થાય છે. જ્યારે ભાજપની સરકાર ધરાવતા રાજ્યોએ રિઝર્વ બૅન્ક પાસેથી લોન લેવાની જીએસટી કાઉન્સિલની સૂચનાનો સ્વીકાર કર્યો છે. બીજીતરફ લોનની આ રકમ પર વ્યાજ ચૂકવવાની અને હપ્તા જમા કરાવવાની જવાબદારી કેન્દ્ર સરકારે લીધી ચે. પરંતુ બિનભાજપી રાજ્યોને તે મંજૂર નથી. જોકે આ મડાગાંઠ ઉકેલવા આગામી 12મી માર્ચે જીએસટી કાઉન્સિલની નવી બેઠક બોલાવવામાં આવી છે. આ સાથે જ જીએસટી કાઉન્સિલમાં પહેલીવાર રાજકીય ધોરણે નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર જૂના વળતર પેટે સેસના રૂા.1000 કરોડ અને આઈજીએસટીના રૂા.1100 કરોડ મળીને રૂા.2100 કરોડ આગામી બેથી ચાર દિવસમાં ચૂકવી દેશે. તદુપરાંત વાર્ષિક 14 ટકાના વધારા સાથેની રકમ પેટે આપવાના થતાં વળતરના હિસ્સા પેટે આજે ગુજરાત સરકારને રૂા. 1470 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે. જોકે ગુજરાતે એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2020 સુધીના છ માસના ગાળાના હજી રૂા. 14770 કરોડનું વળતર લેવાનું બાકી રહ્યું છે. ગુજરાતે કેન્દ્ર પાસેથી લેવાના નીકળતા વળતરના નાણાં પેટે જીએસટી કાઉન્સિલની સૂચના મુજબ રૂા.9000 કરોડની લોન રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પાસેથી લેવા તૈયાર છે. આ લોનના હપ્તા અને વ્યાજ ચૂકવવાની કેન્દ્ર સરકારે જવાબદારી લીધી છે. સપ્ટેમ્બર 2020 સુધીમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી અંદાજે રૂા. 14,770 કરોડ લેવાના બાકી છે.

By admin