ત્રણ સવાલ : ‘સેટલ’ થવું એટલે શું? સેટલ થવાની ચોક્કસ ઉંમર કઈ? અને સેટલ થઈને કરવાનું શું?

માતા-પિતાની ચિંતા એમના સંતાનો માટે વ્યાજબી હોય છે પણ એનો ભાર એટલો પણ ન હોવો જોઈએ કે બાળક એ ભાર નીચે એટલો દબાઈ જાય કે પછી એ ખુદને જ ન જડે.
“આંટી, થોડો સમય છે તમારી પાસે? મારે થોડી વાતો કરવી છે તમારી સાથે.” પડોશમાં રહેતી 26 વર્ષની દીકરીએ આવીને મને સવાલ કર્યો. મેં હસતાં હસતાં કહ્યું, “હા બેટા, હું રહી ‘હાઉસવાઈફ’ તો તને તો ખ્યાલ જ હશે કે હાઉસવાઈફ હંમેશ ફ્રી જ હોય. બોલ શું વાત છે? ” એણે વાતની શરૂઆત કરતાં પહેલાં ચોખવટ કરી, “આંટી, અક્ચ્યુલી કોઈ સમસ્યા નથી પણ મારા મનમાં જે અમુક સવાલો છે એ હું મારા મમ્મીને કહું તો એને લાગે છે કે હું દલીલો કરું છું પણ આ તો કોઈ વાત નથીને? મને ઉઠતા સવાલો માટે હું એમને પૂછું તો કોઈ સંતોષકારક જવાબ તો મળવો જોઈએને? એટલે થયું કે તમે મને જવાબ આપી શકશો તો તમારી સાથે વાત કરવા આવી.” મેં પણ સસ્મિત વાત આગળ ચલાવવા ઈશારો કર્યો. એણે વાત આગળ ચલાવી.
“આંટી, ‘સેટલ’ થવું એટલે શું? અચ્છા સેટલ થવાની ચોક્કસ ઉંમર કઈ? અને સેટલ થઈને કરવાનું શું?” હું એની સામે જ જોઈ રહી. વાત અઘરી લાવી હતી આ છોકરી. એના સવાલોમાં દમ હતો અને એને આજ પહેલા મળેલા જવાબો, ” આ દલીલબાજી બંધ કર.”એ પણ ખોટા નહતા. હું આમાના એકપણ સવાલના જવાબ આપું એ પહેલાં એણે આગળ ચલાવ્યું, “આંટી, પહેલાં હું તમને મારા મનની વાત ક્લિયર કરી દઉં. એક્ચ્યુલી આ સવાલો તો છે જ નહીં, આ ત્રણ વાત પર મારે મારી વાત મુકવી છે.” આ ત્રણ પ્રશ્નો વિશે એણે જે કહ્યું એ એનાજ શબ્દોમાં…
“આંટી, મોટાભાગે પેરેન્ટ્સ એના બાળકોને એવું કહેતા જોવા મળે છે કે તમારે યોગ્ય ઉંમરે સેટલ થઈ જવું જોઈએ. સેટલ એટલે શું? દીકરો હોય તો એ કમાય અને પરણી જાય અને દીકરી હોય તો એ પરણી ને સાસરે જતી રહે એટલે સેટલ? સારું કમાતી દીકરીનું લગ્ન 26 વર્ષે કોઈ કારણસર ન થાય તો એ સેટલ નથી એમ? દીકરો 30 વર્ષે વ્યવસ્થિત કમાતો કે પરણેલો નથી તો એ સેટલ નથી એમ? જો હા, તો ઠીક છે એ સેટલ નથી પણ એની યોગ્ય ઉંમર કઈ? એ કોણ નક્કી કરે? કોઈ પરિવારની દીકરી એની પસંદગીના યુવક સાથે 22માં વર્ષે પરણી ગઈ હોય તો 22 વર્ષ એ સેટલ થવાની ઉંમર? 26 વર્ષ સુધી મુરતિયો પસંદ ન કરી શકનાર યુવતી કે પોતાના ગમતા ફિલ્ડમાં આગળ વધવા માટે 32 વર્ષ સુધી સંઘર્ષ કરતો છોકરો-એ સેટલ થવામાં મોડા છે એવું કહીને વડીલો આવા દીકરા દીકરીને પ્રેશર કરે?
આંટી, કેટલાક બાળકો પ્રેગ્નન્સી વખતે ડોક્ટરે આપેલા સમય પ્રમાણે જ જન્મે છે અને કેટલાક એ સમયથી મોડા, તો શું મોડું જન્મ લેનાર બાળક એના માતા-પિતાને સવાલ કરે કે તમે અમને પૃથ્વી પર લાવવામાં મોડા કેમ પડ્યા? ને બાકી આંટી, આમ જોવા જાવતો અમને બાળકોને આવું કહેવાનો હક્ક છે કેમ કે જો યોગ્ય સમયે જન્મ્યા હોઈએ તો એ સમયના ગ્રહો, નક્ષત્રો,રાશિ…બધુજ અમારા પર અસર કરતું હોત તો અમેં કદાચ વહેલા સેટલ થઈ ગયા હોત. એટલે આ યોગ્ય ઉંમરે સેટલ ન થઈ શકવા પાછળ કોને જવાબદાર ગણવા?”
આવી રમૂજ કરતાં એણે વાતને આગળ ચલાવી, ” માનો કે સેટલની જે એમની ડેફીનેશન છે એ મુજબ સેટલ થઈ પણ ગયા તો પછી શું કરવાનું? દીકરીને એ જ બધુ જે એ અત્યારે પણ કરે છે. જોબ, ઘરકામ, સામાજિક,કૌટુંબિક વ્યવહારો સંભાળવાના અને પુરુષને નોકરી, લગ્ન અને બન્નેમાં સંઘર્ષ. તો આમ જોવા જાઓ તો સેટલ થઈને પણ સંઘર્ષ તો છે જ ને? તો આ સંઘર્ષમાં શુ પ્રોબ્લેમ છે?” મને આ છોકરી અઘરી લાગી પણ વાત મુદ્દાની હતી. જો કે એણે એની સેટલની ડેફીનેશનતો મને આપી જ. “આંટી, હું માનું છું કે મનગમતા કાર્ય સાથે મનગમતી જિંદગી જીવાય અને જે કરીએ છીએ એમાં ખુશી અને સંતોષ મળે તો તમે સેટલ છો.
એમાં પછી કેટલીકવાર નોકરી કરતી દીકરી એકલી પણ જીવતી હોય અને આછી પાતળી આવક છતાં મનગમતા ક્ષેત્રમાં દીકરા કામ પણ કરતા હોય તો એ બન્ને સેટલ જ કહેવાય. મૂળ મુદ્દો હવે આવે છે કે આ પેરેન્ટ્સ ટોર્ચર શા માટે કરે છે? એની સેટલની ડેફીનેશનમાં એના બાળકો ફિટ બેસી જાય તો સમાજમાં, સગા-વ્હાલા(જે ખરેખર સગા કે વ્હાલા હોતા જ નથી) માં એનો વટ પડે? એની અપેક્ષા કે જરૂરિયાત સંતોષાય? કે માનસિક શાંતિ મળે? જો માનસિક શાંતિની વાત હોય તો પોતાની પસંદગી મુજબ નહિ જીવવાને બદલે માં-બાપના સંતોષ ખાતર જે બાળકો પોતાની લાઈફના ડીસીઝન લે છે એ બાળક અંદરથી ખુશ નથી હોતા અને એ જાણવા છતાં મા-બાપ એને સેટલ માની લે? પોતાની જવાબદારીનો ભાર ઉતર્યાની વાત પર ખુશ થઈ શકે? આંટી, હું તો મારી દરેક વાતમાં ક્લીઅર છું એટલે મારે તો તમને કહેવું જ હતું કે માતા-પિતા બાળકોને શિક્ષણ, સંસ્કાર અને સમજણ આપી દે અને બાળકો એને જીવનમાં ઉતારે છે એ વાતથી જ એણે ખુશ થવાનું, સુખી થવાનું અને સંતોષ માનવાનો હોય બાકી સેટલ તો દરેક વ્યક્તિ થશે જ કોઈ થોડી વહેલી કોઈ થોડી મોડી. બિલકુલ બાળકના જન્મની બાબતમાં બનતું હોય છે એમજ, હેં ને?”
મને આ યુવતી ઘણું સમજાવી ગઈ. માતા-પિતાની ચિંતા એમના સંતાનો માટે વ્યાજબી હોય છે પણ એનો ભાર એટલો પણ ન હોવો જોઈએ કે બાળક એ ભાર નીચે એટલો દબાઈ જાય કે પછી એ ખુદને જ ન જડે. આપણી લાગણી, અપેક્ષા અને સુખ કે સંતોષ આપણે બાળક પર લાદીએ છીએ જે આપણે એનામાં રોપવાના હોય… Source : નીતા સોજીત્રા.