પોરબંદરમાં 10 પ્રતિભાવંત મહિલાનું સન્માન

વ્હીલચેર ડાન્સ, સેવા ક્ષેત્ર, રાઇફલ શુટિંગ સહિત વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓએ યોગદાન આપ્યું

પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ શાખાના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સમાજ તથા રાષ્ટ્રના ઉત્કર્ષ માટે નિષ્કામભાવે કાર્ય કરતા મહિલાઓને સન્માનિત કરાયા હતા. ભારત વિકાસ પરિષદ શાખા પોરબંદરના કાર્યકરોએ સમાજના 10 પ્રતિભાવંત મહિલાઓની પસંદગી કરીને સન્માનિત કર્યા હતા.

જેમાં નાનપણથી જ હાથ-પગથી વિકલાંગ હોવા છતાં આત્મનિર્ભર રહીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શ્રેષ્ઠ વ્હીલચેર ડાન્સમાં સિધ્ધિ મેળવી સમાજ અને દેશને ગૌરવ અપાવનાર કૃપાબેન લોઢીયા, સ્પર્ધાત્મક પરિક્ષામાં અવલ્લ ક્રમાંક મેળવનાર અને મહિલાલક્ષી અનેક પ્રવૃતિઓમાં સહયોગ આપનાર રૂપાબેન આડતીયા, ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા કર્મયોગી અને સામાજીક ક્ષેત્રે પોતાનું યોગદાન આપનાર નિમીષાબેન જોષી, રમત-ગમત ક્ષેત્ર સાથે જોડાયેલા મધુબેન દેવાણી તથા શાંતિબેન ભુતીયા, અબોલ પશુ-પંખીઓની સેવા પાછળ પોતાનો પૂરો પગાર અર્પણ કરતા કોસ્ટગાર્ડના સ્પોર્ટ કોચ અને રાષ્ટ્રીય ક્ષેત્રે રાયફલ-શુટીંગમાં પ્રતિભાશાળી ક્રિષ્નાબેન ત્રિવેદી, સામાજીક ક્ષેત્રે પ્રેરણાદાયી કાર્યો કરનાર કાજલબેન વાઘેલા તથા દુર્ગાબેન લાદીવાલા તેમજ શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.દિપ્તિબેન પરમારને શાલ ઓઢાડી, સ્મૃતિચિહ્નની ભેટ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ કમલેશભાઇ ખોખરી, સંયોજીકા નિવેદિતાબેન ગોસ્વામી સહિતના મહિલા સદસ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.