ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી

  • ભારતને વિશ્વગુરૂ બનાવવાના અભિયાનને ચરિતાર્થ કરીએ
  • સ્વાતત્ર્ય સંગ્રામમાંથી પ્રેરણા લઇને દેશની ઉન્નતી માટે સંકલ્પબધ્ધ થઇએ
  • ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને બ્રીટીશ શાસનના પાયામાં લુણો લગાડ્યો હતો, કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત પોરબંદરમાં પદયાત્રા, સાયકલ યાત્રા, વૃક્ષારોપણ, સફાઇ અભિયાન અને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયા, ગ્રામહાટ વેચાણ સ્ટોલનું ઉદ્ધાટન કરતા મંત્રીશ્રી

પોરબંદર તા.૧૨, આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી અંતર્ગત પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રીશ્રી આર.સી.ફળદુએ તથા પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ વહેલી સવારે કીર્તિમંદિરે પૂજ્ય બાપુને અને કસ્તુરબાને પુષ્પાંજલિ અર્પણ કરીને કીર્તિમંદિરથી ચોપાટી ગ્રાઉન્ડ સુધીની પદયાત્રા તથા સાયકલ યાત્રાને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. તથા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને સંબોધી હતી.

આ તકે મંત્રીશ્રી આર.સી.ફળદુએ કહ્યુ કે, સમગ્ર દેશ જ્યારે અંગ્રેજોની ગુલામી હેઠળ હતો. ત્યારે પોરબંદરની આ પાવન ભૂમિ પર જન્મેલા મહામાનવ મહાત્મા ગાંધીએ દાંડી ખાતે એક ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજ સરકારના અહંકારને લુણો લગાડયો હતો. બ્રીટીશ શાસનના પાયામાં લુણો લગાડીને મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે લાંબી લડત કરી હતી. મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામના શહિદોને શ્રધ્ધાસુમન અર્પણ કરી જણાવ્યુ હતુ કે, આ ચળવળ આપણને દેશની પ્રગતિ અને દેશ માટે કંઇક કરી છુટવાની ભાવનાને બળ આપે છે. મંત્રીશ્રીએ કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સાબરમતી આશ્રમ ખાતે આઝાદીના ૭૫માં વર્ષની અમૃત મહોત્સવ ઉજવણીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ૧૯૩૦ની દાંડીયાત્રાની સ્મૃતિમાં પણ દાંડી યાત્રા નિકળી રહી છે ત્યારે આ અવસર દેશ પ્રેમ અને દેશની ઉન્નતી માટે યાદગાર રહેશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના ભારતને વિશ્વગુરૂ બનાવવા અભિયાનમાં આપણે સૌ સહભાગી બનીએ તેમ વધુમાં ઉમેર્યુ હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી યાત્રમાં દેશના વિભિન્ન વિસ્તારોના સ્વયં સેવકો જોડાયા હતાં, ત્યારે આજના ભારતને વધુને વધુ મજબૂત બનાવવા, આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકારના ભગીરથ કાર્ય ચાલી રહ્યા છે. દેશ પર આવેલી કોરોના મહામારીમાં માનવજીવન સુરક્ષિત રહે તે માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન કરી સમગ્ર રાષ્ટ્રને લોકડાઉનનું પાલન કરવા અપીલ પણ કરી, અને દેશવાસીઓએ શિષ્તબધ્ધ રીતે લોકડાઉનનું પાલન પણ કર્યું. નાગરિકોને સામાજિક વિકાસ તથા આર્થિક ઉત્કર્ષ થાય તે માટે સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત મૂડી રોકાણનું આદર્શ કેન્દ્ર બન્યુ છે. ગુજરાતની શાંતિ, સલામતી અને સરકારના પ્રજાભીમુખ વહિવટ શાસનપ્રણાલી અને લોકોના પુરૂષાર્થના લીધે આજે ગુજરાત દેશનુ ગ્રોથ ઇન્જિન બન્યુ છે.

આ તકે ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ દેશ પ્રગતિ કરી રહ્યો છે, આત્મનિર્ભર ભારતથી આપણી આયાત ઘટશે અને નિકાશ વધશે. વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યુ છે ત્યારે ભારતમાંથી કોરોનાની રસી બીજાના દુ:ખ દર્દ દુર કરવા આપવામાં આવી રહી છે તે ગૌરવની વાત છે. તેઓએ છેલ્લા બે દાયકામાં ગુજરાતે કરેલી પ્રગતિની પણ માહિતી આપી હતી.

કલેકટર ડી.એન.મોદીએ સ્વાગત પ્રવચનમાં દાંડી યાત્રાની ઐતિહાસિક ઝલક પ્રસ્તુત કરી હતી. તેઓએ આઝાદી સમય કાળની ક્રાંતીકારી વિચારધારા ધરાવતી કવિતાઓની યાદ તાજી કરી યુવાઓને પ્રેરિત કર્યા હતા.

સ્ટેજ કાર્યક્રમમાં પોરબંદરમાં જે.વી.જેમ્સ ઈગ્લીસ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને શૌર્યતાની કૃતિઓ રજૂ કરી હતી. જયેશ હિંગરાજીયા અને તેના ગ્રુપે સુંદર ગીતો અભીનય સાથે રજૂ કર્યા હતા. મૌલીક જોષીની ટીમ દ્રારા “વૈષ્ણવજન તો તેને રે કહીએ” ભજન રજૂ કર્યુ હતુ. ઉપસ્થિત અગ્રણીઓ અને લોકોએ વડાપ્રધાનશ્રીના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં યોજાયેલ મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ પણ નિહાળ્યુ હતું.

આ પૂર્વે મંત્રીશ્રી, ધારાસભ્ય સહિત તમામ મહાનુભાવોએ ચોપાટી ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યું હતું, ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું. અને કાર્યક્રમનાં અંતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત ગ્રામહાટ ખાતે સખી મંડળની બહેનો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશો અને હસ્તકલાની ચીજ, વસ્તુઓના સ્ટોલનું મંત્રીશ્રીએ તેમજ ધારાસભ્યશ્રીએ ઉદ્ધાટન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેષભાઇ મોરી, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, અધિક કલેકટર રાજેશ.એમ.તન્ના, પ્રાંત અધિકારી કે.વી.બાટી, વિવેક ટાંક, શ્રી રાઠોડ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને નગરજનો, મહિલાઓ તેમજ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ નિરવ જોષીએ કરી હતી.