પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા પોલીસના પ્રયાસોથી ખાતામાંથી કપાયેલ 7140 રૂપિયાની રકમ પરત આવી

પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ સાયબર ક્રાઇમનો ભોગ બનતા પોલીસના પ્રયાસોથી ખાતામાંથી કપાયેલ 7140 રૂપિયાની રકમ પરત આવી હતી. જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓના તાત્કાલિક નિરાકરણ માટે પોરબંદર પોલીસ સક્રિય બની છે.

ત્યારે પોરબંદરની ખાનગી હોસ્પિટલ ખાતે રેસીડન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો રાજ મર્ચન્ટે એક થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરી હતી. એપ ડાઉનલોડ કર્યા બાદ તેમને મોબાઈલ પર ઓ.ટી.પી આવ્યો હતો અને એ જ સમયે એક કોલ પણ આવ્યો હતો. જેમાં ઓટીપી માટેની માગણી કરવામાં આવી હતી. જેથી આ તબીબે ઓટીપી આપ્યો ન હતો. અને આ કોલ પણ કટ કરી નાખવામાં આવ્યો હતો.

પરંતુ મોબાઈલમાં રહેલ થર્ડપાર્ટી એકના કારણે તેમના ખાતામાંથી 7140 રૂપિયા કપાઈ ગયા હતા. આમ તબીબ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા. ત્યારબાદ ડોક્ટર રાજ મર્ચન્ટે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોરબંદરના ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જેસી કોઠીયાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલના પીએસઆઇ સુભાષ ઓડેદરાની ટીમ દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. અને એકાઉન્ટમાં પૂરેપૂરી રકમ પરત મેળવી આપવામાં આવી હતી. જેથી તબીબે પોરબંદર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતા પહેલા વેરીફાઇ કરવા અપીલ કરી : પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે પોતાના મોબાઈલમાં કોઈપણ પ્રકારની થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરતા પહેલાં તેને વેરીફાય કરવી અને બનેતો અધિકૃત માધ્યમોથી આવી એપ ડાઉનલોડ કરવી, ઉપરાંત કોઇ પણ અજાણ્યા કોલ આવે તો કોઈ ગોપનીય માહિતી ન આપવા જણાવ્યું હતું.

બેંક ડીટેલ, પાનકાર્ડ, આધારકાર્ડ માગે તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું, પોરબંદર પોલીસે કોઈપણ પ્રકારની ગોપનીય માહિતી માંગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અને કોઈ પણ પ્રકારનો ફ્રોડ કોલ આવે તો બેંક ખાતા ડિટેઇલ, પાનકાર્ડ, આધારકાર્ડ તેમજ ઓટીપી માંગે તો તેઓને આવી વિગત ન આપવા અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

By admin