અધૂરા વિકાસકામોને સત્વરે પુરા કરવાની ખાતરી આપી, સેવાભાવી સંસ્થા, સંગઠનો અને લોકોને કામકાજ માટે કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું
પોરબંદરમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપના જિલ્લા પ્રમુખે પ્રજાજનોનો આભાર વ્યક્ત કરી અધૂરા રહેલ વિકાસના કામોને સત્વરે પુરા કરવાની ખાતરી આપી સેવાભાવી સંસ્થા, સંગઠનો અને લોકોને કામકાજ માટે કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
પોરબંદરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય છે. જેમાં પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાણાવાવ તાલુકા પંચાયત, કુતિયાણા તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાને લઈને પોરબંદર શહેર અને સમગ્ર જિલ્લામાં કરેલ વિકાસના કામો, નવીનીકરણ તેમજ સિંચાઇના કામો, કેનાલના કામો, ચેકડેમ, જળસંચય, કિસાન સૂર્યોદય યોજના, નવુ કૃષિ બિલ સહિત લોકોની સુખાકારીમાં વધારો થયો છે
પોરબંદર જિલ્લાવાસીઓને સગવડતાઓમાં વધારો થયો તેમજ વિકાસના કાર્યોનો લાભ લોકોને આપ્યો છે અને પ્રજાજનોએ પણ વિકાસના કાર્યોને સમર્થન આપી વિકાસને મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા હોવાથી ભવ્ય વિજય થયો હોવાનું કિરીટભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેઓએ વધુને વધુ વિકાસ કાર્યોને આગળ ધપાવવા તત્પરતા દાખવી હતી. આગામી સમયમાં વિકાસના કાર્યોને વધુ વેગવંતા બનાવવાનું પણ જણાવ્યું હતું. અને અધૂરા રહેલ કામો ઝડપથી પૂરા કરવાની ખાતરી આપી હતી. બહારથી આવતા પ્રવાસીઓને પોરબંદરમાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરાશે તેવું જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનો સંપર્ક કરનાર લોકોના કામકાજ સરળતાથી કરી આપવાની ખાતરી આપી હતી. પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયાની ટીમ તથા ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ પ્રજાના કામોમાં તત્પરતા દાખવી હતી. કોઈપણ વ્યક્તિ સંસ્થા, સંગઠન વગેરેને તેમના કામકાજ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું હતું.