મતદારયાદીમાં નામ ન આવતા પરિવારમાં થયો ડખ્ખો: બાળકી સહિત ત્રણ ઘવાયા

રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર રહેતો પરિવાર મૂળ વતન ખેરડી મતદાન માટે ગયો હતો: યાદીમાં નામ ન હોઈ ભાઈ સાથે બોલાચાલી થયા બાદ ભત્રીજાઓએ સમાધાન માટે બોલાવી લોધીકાના છાપરા પાસે ધોકા-પાઇપથી હુમલો કર્યો

મતદારયાદીમાં નામ ન હોવા બાબતે દરજી પરિવાર વચ્ચે ઝઘડો થયા બાદ રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર રહેતા પરિવારને લોધિકાના છાપરા ગામ પાસે આંતરી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ચાર વર્ષની બાળકી સહિત ત્રણને ઇજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર રહેતા રસિકભાઈ મકવાણા તથા તેમનો પુત્ર કરણ મકવાણા, પુત્રવધુ તેજલ પુત્રી રૂપલ,ચાર વર્ષની દોહીત્રી માધવી સહિતનાઓ ગઈકાલે રાજકોટથી રિક્ષામાં પોતાના મૂળ વતન કાલાવડ ખરેડી ગામે મતદાન માટે ગયા હતા. મૂળ વતનમાં રહેતા રસિકભાઈના ભાઈ અરવિંદભાઈ મતદાન માટે આવવા કહ્યું હતું. પરંતુ પરિવાર ગામે પહોંચી મતદાન કેન્દ્ર જતા માલુમ પડ્યું હતું કે, મતદારયાદીમાં તેમનું નામ જ નહોતું. મતદારયાદીમાં નામ ન હોઈ અહીં સુધીનો ધક્કો થતા રસિકભાઇએ પોતાના ભાઈ અરવિંદ સાથે બોલાચાલી કરી હતી અને કહ્યું હતું કે, અગાઉથી યાદી તપાસી હોત તો અમારે અહીં સુધીનો ધક્કો થયો ન હોત. દરમિયાન અરવિંદભાઈના પુત્ર જયદીપ મકવાણા અને જીગર મકવાણાએ પોતાના કાકા રસિકભાઈ મકવાણા સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો બાદમાં આ પરિવાર પરત રાજકોટ આવવા માટે નીકળી ગયો હતો.

દરમિયાન જયદીપ અને જીગરનો ફોન આવ્યો હતો અને સમાધાનની વાત કરી હતી. જેથી પરિવાર રિક્ષામાં પરત નિકાવાથી છાપરા ગામ તરફ જતો હતો ત્યારે છાપરા ગામ પાસે રીક્ષાને રોકી જયદીપ મકવાણા, જીગર મકવાણા તથા તેમની સાથેના દશેક અજાણ્યા શખસોએ મળી ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેજલબેન કરણભાઈ મકવાણા (ઉ.વ 27) રૂપલબેન રોહિતભાઈ ગોહિલ (ઉ.વ 30) તથા તેમની દીકરી માધવી (ઉ.વ 4 ) ને ઈજા પહોંચી હતી.જેથી જેથી તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.