લિટલ માસ્ટર શેફ, 9 વર્ષના છોકરાએ 1 કલાકમાં બનાવી 172 ડિશ !

કેરાલાના કોઝીકોડ જિલ્લાના ફેરોકે ગામમાં રહેતાં 9 વર્ષના હયાન અબદુલ્લાએ માત્ર 1 જ કલાકમાં 172 ડિશ તૈયાર કરીને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. તેણે 1 જ કલાકમાં વિવિધ પ્રકારની બિરયાની, જૂસ, પેનકેક, ઢોસા, સેલડ, મિલ્ક શેક અને ચોકલેટ્સ તૈયાર કરી હતી. હયાન અબદુલ્લાની માતાના કહેવા પ્રમાણે, હયાન માત્ર 4 વર્ષનો હતો ત્યારેથી તે મને રસોડામાં મદદ કરતો હતો.

હયાનનો પરિવાર ચેન્નાઈમાં રેસ્ટોરાંની ચેઈન ચલાવે છે. ચેન્નાઈની શેરવુડ હોલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હયાન કહે છે કે, “હું ઝડપથી રાંધી શકું છું, એ બાબતની મારા પરિવારે નોંધ લીધી હતી. આથી કાંઈક નવીન કરવા માટે મેં મારા ખોરાક બનાવવાના સમય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જો કે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવવા માટે મારે કોઈ વિશેષ તૈયારી કરવી નહોતી પડી.”

કોરોનાને કારણે આ સ્પર્ધા ઓનલાઇન યોજાઈ હતી. હયાનની પોતાની હયાન ડેલિક્સિઝ નામની યુટ્યુબ ચેનલ પણ છે‌. જેમાં તે અંગ્રેજી, મલયાલમ અને તામિલ એમ ત્રણ ભાષામાં તમામ ડિશ તૈયાર કરવા બાબતે વિગતમાં સમજાવે છે. રસોઈ બનાવવી એ હયાનનો શોખ છે, જ્યારે તેની ઇચ્છા પાઇલટ બનવાની છે, તો બીજી તરફ પાસ્તા બાર શરૂ કરવું એ પણ તેનું સપનું છે.