નારીનું શરીર : સેક્સ માટે હંમેશાં તૈયાર હોય છે??

“મારી માતાની સગાઈ 12 વર્ષની ઉંમરે થઈ ગઈ હતી. 14 વર્ષની ઉંમરે તેને વિદાય આપીને પતિના ઘરે મોકલી દેવામાં આવી. સાસરે મોકલી તો દેવામાં આવી, પણ તે હજી શારીરિક રીતે સંપૂર્ણ વિકસિત થઈ નહોતી.”

“મારી માતાના યુવતી તરીકેનાં સપનાં અધૂરાં જ રહી ગયાં.

“ફિરોઝા (નામ બદલેલું છે) કહે છે, “સાચી વાત એ છે કે મારા પિતાએ આટલી નાની ઉંમરે તેને સાસરે લઈ આવવાનો નિર્ણય કર્યો નહોતો. લગ્ન પછી મારી માતાનું ભણતર પણ છૂટી ગયું.”

ફિરોઝા તેમનાં માતાપિતાનાં 14 સંતાનોમાં સૌથી નાનાં છે. તેઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યુનિવર્સિટીમાં ભણી રહ્યાં છે.

ફિરોઝા કહે છે, “મારી માતાએ એક પછી એક 14 બાળકોને જન્મ આપ્યો.”

મારા પિતા મારી માતા પ્રત્યે બહુ ક્રૂર હતા. મારી માતાની સ્થિતિ 14 બાળકોને જણવાની નહોતી, પરંતુ મારા પિતા યૌનસંબંધો બાંધતી વખતે કોઈ કાળજી લેતા નહોતા. કોઈ પ્રોટેક્શન રાખતા નહોતા.”

“તેને કારણે મારી માતાને 14 સંતાનો થયાં અને બીમાર હાલતમાં રહેવા લાગી.”

ફિરોઝાનું માનવું છે કે પિતાએ તેને ભણવા દીધી છે, પરંતુ ‘મારી માતા સાથે બહુ ખરાબ વ્યવહાર કર્યો હતો.’

“હું 14 ભાઈબહેનોમાં સૌથી નાની છું. મારો જન્મ થયો ત્યારે માતા બહુ જ નબળી પડી ગઈ હતી અને મારી સંભાળ લઈ શકે તેમ નહોતી. તેના કારણે મને ક્યારે માતાનો એવો પ્રેમ મળ્યો નહોતો.”

ફિરોઝા કહે છે, “મારી હજીય બીમાર જેવી જ રહે છે, પણ પિતાની બધી આજ્ઞાનું પાલન કરવું પડે છે.”

ફઝલુર્રહમાન ફકીહી હેરાતની યુનિવર્સિટીમાં ઇસ્લામિક સ્ટડીઝના પ્રોફેસર અને સંશોધક છે.

તેઓ કહે છે કે કોઈના આજ્ઞાંકિત થઈ જવું તેનો અર્થ એ કે પોતાના પરનો અધિકાર આપી દેવો. તે પ્રમાણે પતિ-પત્નીના સંબંધોમાં ‘પતિનો એ અધિકાર ગણાય કે પત્ની તેની સાથે રહે અને રાત્રે તેની નજીક સૂવે. તે માટે પત્નીની સંકોચ ન થવો જોઈએ અને વિરોધ કરવો જોઈએ નહીં.’

તેમના જણાવ્યા અનુસાર પરંપરાગત ન્યાયશાસ્ત્ર અનુસાર આજ્ઞાકારી હોવાનો અર્થ એ થયો કે કોઈ પત્ની શારીરિક સંબંધ બાંધવા ના કહે તો તે પતિની અવજ્ઞા થઈ કહેવાય.

શારીરિક સંબંધ માટે સ્ત્રી મનાઈ કરે તો શું થાય?

ફઝલુર્રહમાન કહે છે, “સ્ત્રીએ પોતાના આનંદ માટે તથા ખુશી માટે હંમેશાં પતિ સામે હાજર થઈ જવું જોઈએ અને પતિની ખુશીને કોઈ સમય, સ્થળ કે માપદંડ પ્રમાણે સીમિત કરવી જોઈએ નહીં.”

તેઓ કહે છે, “કોઈ પત્ની એવું કરે અથવા પતિની અનુમતિ વિના ઘરે છોડે અથવા પતિ સાથે અસહમત થાય તો ઇસ્લામી ન્યાયશાસ્ત્ર અનુસાર પતિ તેના નિભાવ અને દેખભાળ માટે જવાબદાર નહીં ગણાય.”

રહમાનના જણાવ્યા અનુસાર, “અન્ય કારણો ઉપરાંત પ્રથમ પત્ની અવજ્ઞા કરે તો પણ પુરુષ બીજી લગ્ન કરી શકે છે.”

સ્ત્રીનું શરીર હંમેશાં સેક્સ માટે તૈયાર હોય છે?

બ્રિટનમાં મહિલા અધિકાર માટે કામ કરનારાં અને બાળરોગના વિશેષજ્ઞ ડૉ. એવિડ ડિહારના જણાવ્યા અનુસાર માતા સ્તનપાન કરાવતી હોય તે દરમિયાન બીજું બાળક જન્મે તો સ્ત્રીઓના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

તેમના જણાવ્યા અનુસાર જલદી જલદી ગર્ભાવસ્થાને કારણે એનિમિયા થાય છે અને શરીર નબળું પડવા લાગે છે, કેમ કે ગર્ભને કારણે બાળકના જન્મ સુધી માતાની બધી ઊર્જા તેની પાછળ વપરાતી રહી છે.

તેઓ કહે છે કે પ્રસૂતિ પછી સ્ત્રીના શરીરને વળતા ઓછામાં ઓછા છથી આઠ મહિના લાગે છે.

ઑપરેશનથી ડિલિવરી કરવી પડી હોય તો વધારે સમય લાગી શકે છે. માસિક ધર્મ વખતે સ્ત્રીઓના શરીરમાં હોર્મોનમાં ફેરફાર થવા લાગે છે. તેનાથી સ્ત્રીના વર્તન પર અસર થાય છે અને શારીરિક ક્ષમતાને પણ અસર થાય છે.

શારીરિક સંબંધો માટેની રુચિ ઘટી પણ જાય કે વધી પણ જાય. આવી સ્થિતિમાં પત્નીની હાલત શું છે તે સમજીને પતિ વ્યવહાર કરે તો લાગણી વધી શકે છે અને વધારે સારી રીતે શારીરિક સંબંધ થઈ શકે છે.

હોર્મોનથી આવતા ફેરફારો સમજી લેવામાં આવે તો ખ્યાલ આવે કે સ્ત્રી હંમેશાં સેક્સ માટે તૈયાર નથી હોતી અને તેવી અપેક્ષા પણ રાખવી જોઈએ નહીં. તેઓ કહે છે, “બાળક નાનું હોય ત્યારે તેને દૂધ પીવરાવવા મોડી રાતે પણ જાગવું પડતું હોય છે. તેના કારણે થાક પણ લાગે અને થોડો સમય માટે સેક્સ માટે રુચિ રહેતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન વધ્યા હોય તે પ્રસૂતિ પછી ઘટવા લાગ્યા હોય તેના કારણે પણ કેટલીક મહિલાઓને થોડો સમય સુધી સેક્સમાં રુચિ જાગતી નથી.”

ડૉક્ટર ડિહારના જણાવ્યા અનુસાર, “આવી સ્થિતિ માટે પતિ સમજદારી દાખવે અને બાળકોની સંભાળમાં સાથ આપે તે જરૂરી હોય છે. પત્ની થોડો આરામ કરી શકે અને હોર્મોનના ફેરફારોને કારણે આવેલો થાક દૂર કરી શકે.”

તેમના જણાવ્યા અનુસાર મૅનોપૉઝ દરમિયાન સ્ત્રીઓના હોર્મોનમાં ચઢાવઉતાર આવે છે અને પુરુષોએ તેની જાણકારી રાખવી જોઈએ.

તેઓ કહે છે, “મૅનોપૉઝ માત્ર માસિક બંધ થાય તેવું નથી. તેના કારણે સ્ત્રીઓની ઊંઘની સ્થિતિ બદલાઈ જાય છે, ધ્યાન કેન્દ્રીત થઈ શકતું નથી, થાક લાગે છે, માથું દુખે છે અને સ્નાયુઓ તથા હાડકાંમાં દુખાવો થઈ શકે છે.”

“શારીરિક સંબંધો માટે ઉદાસીનતા આવે છે. તેવી સ્થિતિમાં સ્ત્રીને મજબૂર કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. શારીરિક નુકસાન ઉપરાંત માનસિક રીતે પણ આધાત લાગી શકે છે.”

તેઓ કહે છે, “પુરુષોએ સમજવું જોઈએ કે હોર્મોનના ફેરફારો પર સ્ત્રીનું નિયંત્રણ નથી હોતું. તે તેની શરીરરચનાનો હિસ્સો છે. આ ફેરફારોની સારવાર લેવા સાથે સ્ત્રીને પતિના સહયોગની પણ જરૂર પડતી હોય છે.”

ધાર્મિક લોકો માને છે કે દરેક ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતામાં અલગઅલગ વ્યાખ્યા હોય છે અને કોઈ ધર્મમાં બધા લોકો એક સમાન રીતે ધર્મનો અર્થ સમજતા નથી.

મોહમ્મદ મોહિક અફઘાનિસ્તાના સંશોધક છે અને ઇસ્લામી સમાજમાં રહેલી વિવિધતા પર લખે છે. આ વિષયમાં તેમનાં ઘણાં પુસ્તકો અને લેખો પ્રકાશિત થયેલાં છે.

તેમના જણાવ્યા અનુસાર, “સાથે જિંદગી વિતાવવાની હોય ત્યારે બંનેએ એકબીજાનું સન્માન કરવું જોઈએ. પતિ-પત્નીનો સંબંધ સાથ-સહકારનો અને ભાવનાત્મક હોવો જોઈએ.”

તેઓ કહે છે કે કાનૂની રીતે જુઓ તો પતિ-પત્નીને સાથે બેસીને અંગત રીતે ચર્ચા કરવાનો અધિકાર છે.

પરસ્પર સમજણ સાથે પતિ-પત્ની પોતાના સંબંધોની શરૂઆતમાં જ પોતપોતાની મર્યાદા નક્કી કરી શકે છે.

તેઓ કહે છે કે પહેલેથી કંઈ એવું નક્કી નથી હોતું કે સ્ત્રીએ પતિની બધી વાતો માનવી અને પુરુષોને આ બાબતમાં અસીમિત અધિકારો મળેલા હોય.

ફિરોઝાએ શું નિર્ણય કર્યો

સવાલ એ છે કે ફિરોઝાનાં માતાએ 14 સંતાનોને જન્મ ન આપ્યો હોત અને પોતાની સાથેના વ્યવહારનો પ્રતિકાર કર્યો હોત તો શું થયું હોત?

કદાચ તેને ત્રાસ આપવામાં આવ્યો હોત, કદાચ તેમના પતિએ બીજા લગ્ન કરી લીધાં હોત અથવા તેમને તલાક આપીને નિભાવનો ખર્ચ આપવાનું બંધ કરી દીધું હોત.

ઇસ્લામી કાનૂન અનુસાર બાળકોનાં ભોજન, વસ્ત્રો સહિતનો ખર્ચ પતિએ કર્યો હોય તેથી તેઓ બાળકોની કસ્ટડી પણ લઈ શકે તેમ હતા.

ફિરોઝા કહે છે, “નાનપણમાં જ લગ્ન થઈ ગયાં હોય, ભણવાનું છોડી દેવું પડ્યું હોય અને બીજા કોઈ પ્રકારની આઝાદી ના હોય તેવી સ્ત્રી માટે પતિની યૌનઇચ્છાઓને પૂર્ણ કર્યા સિવાય બીજો શું વિકલ્પ હોઈ શકે.”

ફિરોઝા કહે છે કે ઇસ્લામમાં વાસ્તવમાં સ્ત્રીઓને ઘણું સન્માન આપવામાં આવ્યું છે. તેમને રાણી સમાન દરજ્જો આપેલો છે, પરંતુ અફઘાનિસ્તાનમાં નારીઓની સ્થિતિ સારી નથી.

અફઘાન સમાજમાં સ્ત્રીઓને ભણવાનો અધિકાર મળતો નથી. પોતાની પસંદ જાહેર કરી શકતી નથી. તેમના પર શારીરિક ત્રાસ થાય છે અને આ બધું સમાજમાં ઇસ્લામના નામે થાય છે, જ્યારે સાચી વાત એ છે કે ઇસ્લામ આવી કોઈ વાત જ નથી.

આ બધું અફઘાનિસ્તાની સંસ્કૃતિ અને પરંપરાને કારણે થાય છે. ફિરોઝાનાં માતા તથા તેમના જેવી હજારો નારીઓ છે, જે પતિની આજ્ઞા માનવા મજબૂર રહે છે.

ફિરોઝા નથી ઇચ્છતી કે તેના જીવનમાં પણ આ ‘શેતાની ખેલ’ ચાલતો રહે. તેઓ ઇચ્છે છે કે પોતાનાં સપનાં પૂરા અને આકાંક્ષા પૂરાં થાય અને અભ્યાસ પૂર્ણ કરીને ડૉક્ટર બની અને પોતાના પતિની પસંદગી જાતે કરે.

ફિરોઝા કહે છે, “પુરુષોની ઇચ્છા પ્રમાણે જ કામ કરવું તે કબીલાની ઘૃણાસ્પદ પરંપરા છે, જે આજની સ્થિતિમાં યોગ્ય નથી. આ રિવાજ સ્ત્રીઓને બદનામ કરે છે અને પુરુષોને અધિકાર આપે છે કે ઇચ્છે ત્યારે સ્ત્રીઓનું યૌનશોષણ કરે”

તેઓ કહે છે, “હું પુરુષોને આવા અબાધિત અધિકારો આપવાની વિરુદ્ધમાં છે, કેમ કે સ્ત્રીઓ સમાન અધિકાર સાથે પરિવાર બનાવવાની બધી શક્યતા તેનાથી નાબૂદ થઈ જાય છે.”