APMC માર્કેટમાં કોંકણની હાફૂસ આવવાની શરૂઆત થઇ ગઇ

વાશીના એપીએમસી માર્કેટમાં કોંકણની હાફૂસ કેરીઓની પેટીઓ આવવાની શરૃઆત થઇ ગઇ છે. ગત બે મહિનાથી સતત બદલાતા હવામાનને લીધે કેરીના વ્યાપારીનો ચિંતામાં હતા. પરંતુ સોમવારે એપીએમસીમાં આવેલી કેરીની પાંચ ડઝનની પેટી રૃા. ૧૦,૦૦૦ રૃપિયામાં વેચાઇ હોવાથી ઉત્પાદક ખેડૂતોને હાશકારો થયો છે.

વાશીનું હોલસેલ ફળ બજાર હાફૂસ કેરી માટે સહુથી મોટું બજાર છે. દેશભરમાંથી કેરીઓ આ બજારમાં આવે છે. તેથી કેરીની સિઝનમાં આવતી પ્રથમ કેરીઓ ખેડૂતોને સારી કમાણી કરાવે છે.

હોલસેલ માર્કેટમાં ચાર દિવસ દરમિયાન હાફૂસ કેરીની પેટીઓ આવવાની શરૃઆત થઇ છે. દેવગઢની હાફૂસથી આ વર્ષે સિઝનની શરૃઆત થઇ છે. ત્યારબાદ રત્નાગિરીમાંથી હાફૂસ કેરી બજારમાં આવે. આ વર્ષે બંને હાફૂસની સાથે સાથે અલીબાગની હાફૂસ કેરીએ બજારમાં પ્રવેશ કર્યો છે.