ભાજ૫-કોંગ્રેસમાં ટિકીટોને લઈને જૂથવાદ,મધરાતે ઉમેદવારો બદલાયા

  • – જિલ્લા-તાલુકા પંચાયતોની બેઠકો માટે રાત ભર બેઠકોનો દોર ચાલ્યો
  • – પડધરીની સીટ માટે કોંગી ધારાસભ્ય સામે હાઈકમાન્ડ ઝૂકતા યાદી જાહેર થયા બાદ ફેરફાર

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠક અને તાલુકા પંચાયતની ર૦ર બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટે ફોર્મ ભરવાનાં છેલ્લા દિવસ સુધી કેટલીક બેઠકો પર સસ્પેન્સ રહયા બાદ ભાજપ – કોંગ્રેસમા મોડી રાત  સુધી બેઠકોનો દોર ચાલ્યા બાદ નામ નકકી કરાયા હતા તો કેટલીક બેઠકો પર ઉમેદવાર બદલાયા હતા. બંને પક્ષોમાં આંતરિક જૂથવાદની આગ લાગતા કેટલીક બેઠકો પર આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવા પડયા હતા.

જિલ્લા કોંગ્રેસે ગઈકાલે જિલ્લા પંચાયતની ૩પ બેઠકોનાં નામ જાહેર કરી દીધા હતા તેમાં પડધરી સીટ પર જે નામ જાહેર કરવામાં આવ્યુ તેમાં છેલ્લી ઘડીએ નામ બદલવુ પડયુ હતુ. પડધરી  વિસ્તારનાં કોંગી ધારાસભ્યએ સંકલન કરીને જે નામ આપ્યુ હતુ તે અંતે હાઈકમાન્ડને સ્વીકારવુ પડયુ હતુ અને પાટીદારને બદલે ક્ષત્રિય આગેવાનને ટિકીટ મળી હતી આજે તેમનું ફોર્મ ભરવામાં આવ્યુ હતુ. લોધિકા બેઠક માટે પણ ખેંચતાણનાં અંતે ગઈ રાતે લોધિકા તાલુકાનાં પૂર્વ પ્રમુખ હતા તેમને આખા તાલુકાની જવાબદારી સોંપવાની વાત કરતા તેઓ અંતે રેસમાંથી હટી ગયા હતા અને સ્થાનિક ખીરસરાનાં આગેવાનને જિલ્લા પંચાયતની લોધિકા બેઠકનાં ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે નામ જાહેર કર્યા વિના સીધા મેન્ડેડ આપ્યા હતા.  ભાજપમાં પણ જૂથવાદ જોવા મળ્યો હતો. લોધિકા તાલુકા પંચાયતમાં ભાજપમાંથી ચૂંટાયેલા એક સભ્યએ ટિકીટનાં કકળાટમાં છેલ્લી ઘડીએ કોંગ્રેસમાંથી પાળની  બેઠક પર ફોર્મ ભર્યુ હતુ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એવો દાવો કર્યો હતો કે આ આગેવાન સાથે ર૦૦ જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપમાં રાજકોટ તાલુકાની સણોસરાની બેઠકમાં ગઈ રાતે નામ ફાઈનલ કરવામાં આવ્યુ હતુ. તાલુકા ભાજપનાં એક આગેવાનનાં પત્નીએ કાળીપાટ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી છે. આમ બંને પક્ષોમાં જૂથવાદને લઈને મોડી રાત સુધી કેટલીક બેઠકોનાં મુરતીયા નકકી કરવા કવાયત હાથ ધરાઈ હતી.

ભાજપમાં સણોસરાની બેઠક માટે ચિઠીઓ નાખવાની વાત કરવી પડી

ભાજપમાં રાજકોટ તાલુકાની ગઈકાલે રર માંથી ર૧ બેઠકનાં નામ જાહેર કરવામાં આવ્યા હતા એક બેઠક સણોસરા માટે ઉમેદવારનું નામ નકકી થઈ શકયુ ન હતુ. આ બેઠક માટે ચારેક નામને લઈને વિવાદ હતો અંતે ગઈ રાતે જે  સ્થાનિક આગેવાનો ટિકીટ માટે દાવેદારી કરતા હતા તેમને બોલાવીને સમાધાનનો પ્રયાસ કરાયો હતો એક તબકકે તો ચિઠ્ી નાખીને નામ પસંદ કરવાની વાત સંગઠનનાં હોદેદારોને કરવી પડી હતી અંતે પાર્ટી નકકી કરે તે માનવા દાવેદારો તૈયાર થઈ જતા ગત મોડી રાતે નામ ફાઈનલ કરવામાં આવ્યુ હતુ.