• – ગોંડલનાં ફૂલવાડી કોમ્પ્લેક્સમાં આવેલા ક્લિનિકમાં કેમેરા સાથે ધસી જઈ
  • – તોડમાં જો સફળતા ન મળે તો પોલીસને બાતમી આપી દેતા

ગોંડલના ઉગમ સર્કલમાં સ્થિત ફૂલવાડી કોમ્પ્લેક્સમાં ક્લિનિક ધરાવતા બીએચએમએસ ડો.રિદ્ધિબેન અર્પિતભાઈ રાદડિયા (ઉ.વ.૨૬, રહે. કૈલાશબાગ, ગોંડલ)ની ક્લિનિકમાં ધસી જઈ તોડનો પ્રયાસ કરનાર ત્રણ બોગસ પત્રકારો પિયુષ કાંતી રાઠોડ (રહે. શાપર), સુફીયાન મહેબુબ સવાણ (રહે. મોટી બજાર ગોંડલ) અને અસ્લમ સલીમશા (રહે. ભગવતપરા ગોંડલ)ને એલસીબી અને સ્થાનિક પોલીસે ઝડપી લઈ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ ટોળકીએ અગાઉ પણ આ રીતે કેટલા તોડ કર્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

હાલમાં પોલીસ છાશવારે નકલી ડોક્ટરોને પકડતી હોય છે. જેથી આવા નકલી ડોક્ટરોને ત્યાં દરોડા પાડી તોડજોડ કરાતા હતા. ઝડપાયેલી ટોળકીએ રાજકોટના એક બોગસ તબીબ પાસેથી પણ ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલા આઈકાર્ડ સાથે રૂા.દોઢ લાખનો તોડ કર્યાની માહિતી પોલીસને મળી છે. આ ટોળકીમાં વધુ કેટલાક સભ્યોની પણ સંડોવણી હોવાની શંકા પોલીસે દર્શાવી તપાસ હાથ ધરી છે.

નકલી ડોક્ટરોને ત્યાં જઈ તોડ કરતી આ ટોળકી આજે અસલી ડોક્ટર પાસે પહોંચી જતાં ભાંડો ફૂટયો હતો. ડો.રિદ્ધિબેને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આજે સવારે નિત્યક્રમ મુજબ સસરા ચુનીભાઈ સાથે ક્લિનિકે ગયા હતા. થોડીવાર પછી ત્યાં કામ કરતો જેનીશ પાઘડાર (રહે. મેતા ખંભાળિયા, તા.ગોંડલ) પણ આવી પહોંચ્યો હતો.

આ દરમિયાન તેને એક પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી નીકળી ગયા હતા. કલાકેક બાદ ક્લિનીકે પરત આવતા ત્રણેય આરોપીઓ ત્યાં હાજર હતા. તેમણે પોતાની પત્રકારો આપી ઓળખાણ આપી વીડિયો શૂટિંગ શરૂ કર્યું હતું. એક આરોપી પાસે માઈક હતું, તે મહિલા દર્દીને ચેક કરતા હતા તેનો પણ વીડિયો ઉતાર્યો હતો.

ક્લિનીકમાં બેસતા તેના સસરા ઉપર આક્ષેપ કરતા કહ્યું કે તે ડોક્ટરની ગેરહાજરીમાં દર્દીઓને તપાસી દવા આપે છે તેમ કહી અલગ-અલગ વ્યક્તિઓને કોલ કરવાનું શરૂ કરી એસઓજીને, આરોગ્ય ખાતાને બોલાવી છીએ તેવી ધમકીઓ આપી હતી.

એટલું જ નહીં તેના સસરાને દર મહિને ૨૫ હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું. જો રકમ નહીં મળે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ત્રણેય આરોપીઓએ પોતાના આઈકાર્ડ પણ બતાવ્યા હતા. પરંતુ તેને બોગસ પત્રકારો હોવાની શંકા ગઈ હતી.

આખરે જાણ થતાં એલસીબીના પીઆઈ અજયસિંહ ગોહિલ ઉપરાંત ગોંડલના પીએસઆઈ ડી. પી. ઝાલા વગેરે સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્રણેય આરોપીઓની અટકાયત કર્યા બાદ આઈપીસી કલમ ૩૮૪, ૪૫૨, ૫૦૬, ૧૧૪ વગેરે હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્રણેય આરોપીઓ ધો.૧૦ નાપાસ છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પણ ડિગ્રી વગરના ડોક્ટરો પાસેથી તોડ કરતી ગેંગો કાર્યરત છે. આ પ્રકારની ગેંગ જ્યારે તોડમાં સફળ ન થાય ત્યારે પોલીસ ખાતામાં રહેલા પોતાના ‘ઓળખતા અધિકારીઓ કે માણસો’ને બાતમી આપી દરોડા પડાવે છે.