પોરબંદર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ કાર શોધી કાઢી

પોરબંદર જિલ્લામાં આગામી સમયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી અંગે ગુનેગારો પર કડક કાર્યવાહી તથા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદરના કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એલ આહીરના માર્ગદર્શન હેઠળ હનુમાન ગુફા પોલીસ ચોકીના પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ સમયે અન્ય જિલ્લામાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ કાર શોધી કાઢવામાં સફળતા મેળવી હતી. આ અંગે એવું જણાવવામાં આવ્યું હતું કે અમરેલીના વૃંદાવન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રભાઈ સિધ્ધપુરા નામના નોકરિયાત સાથે છેતરપિંડી કરી તેમના નામે લોન લઈ આરોપી મહેશભાઈ ઉર્ફે ભાણકું ભુપત બસીયાએ કારસ્તાન આચર્યું હતું. અમરેલીમાં જ રહેતા આરોપી મહેશભાઈ ઉર્ફે ભાણુક ભુપત બસિયાએ જીજે 18 બી જે 7777 ની કાર ધર્મેન્દ્રભાઈ સિધ્ધપુરા નામે કરી દીધી હતી. અને લોનના હપ્તા ન ભરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ગુનામાં સંડોવાયેલ કાર પોરબંદર જિલ્લામાં હોવા અંગેની માહિતી મળતા જિલ્લા પોલીસના સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને કાર શોધી કાઢી હતી. અને અમરેલી સીટી પોલીસને સોંપી હતી.