સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ જાહેર થઇ ગઇ છે અને જીલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા તથા મહાનગરપાલીકાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અરબી સમુદ્રના કિનારે વસેલા પોરબંદર જીલ્લામાં પણ વહીવટીતંત્ર સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજકીય પક્ષો પણ મતદારોને રીઝવવા માટે તનતોડ પ્રયત્નો કરશે. પોરબંદર જિલ્લા પંચાયતની ચુંટણી ર8 ફેબ્રુઆરીએ યોજાશે જેમાં મતદારો કોંગ્રેસને. ભાજપને, આમ આદમી પાર્ટીને કે અપક્ષોને સાથ આપશે. એ અત્યંત રોમાંચક રહેશે
પોરબંદર જિલ્લાનો ટુંકો રાજકીય ઈતિહાસ : ઇ.સ. ૧૯૯૭ માં જુનાગઢ થી અલગ થયા બાદ ર ઓકટોબર ૧૯૯૭ ના દિવસે પોરબંદરને જિલ્લાનો દરજજો રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના મજબુત ઈરાદાથી મળ્યો હતો. પોરબંદર જિલ્લો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ખુબ નાનો છે.
વર્તમાન રાજકીય સ્થિતી : પોરબંદર જિલ્લા પંચાયતની વર્તમાન રાજકીય સ્થિતી વિશે જોઇએ તો કહી શકાય કે જિલ્લામાં સરકાર દ્વારા વિકાસકામોની હારમાળા સર્જી દેવમાં આવી હોવાથી ભાજપને આગામી ચુંટણીમાં પણ કોઇ ખાસ પરીબળો અસ્તિત્વમાં આવે તે સિવાય વાંધો આવે તેમ નથી. હાલના રાજકીય સમીકરણો જોતા કહી શકાય કે મતદારો શાણા છે અને ઘરે મત માંગવા આવતા ગમે તે રાજકીય પક્ષના આગેવાનો હશે તેમને ‘ના’ કહેશે નહીં. ‘મારો મત, મારા પરિવારનો મત અને આજુબાજુના જાણીતા લોકોના મત તમારામાં જ પડાવીશ’ તેમ કહીને ઉમેદવારોને નિરાશ કરશે નહીં! જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આપ અને અપક્ષો વચ્ચે આ વખતનો ચુંટણી જંગ જામશે
લોકોના પ્રશ્ર્નો અને સમસ્યાઓ : પોરબંદર જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે, રાજય અને રાષ્ટ્રીય લેવલે પણ ભાજપ તરફી રાજકીય પ્રવાહો વહે છે જેનો લાભ પોરબંદરને પણ મળ્યો છે. પોરબંદરમાં ભાજપના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના નેતૃત્વમાં જિલ્લાએ અને ભાજપપક્ષે સારી એવી પ્રગતિ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અર્જુનભાઈ મોઢવાડીયાએ પણ ઘણી યોજનાઓમાં કેન્દ્રમાં પોરબંદર નું નામ આગળ ધપાવતા જિલ્લામાં વિકાસકામોની હારમાળા સર્જી દેવામાં આવી છે પરંતુ હજુ ઘણુ ખુટતું હોય તેવું મતદારો અનુભવી રહ્યા છે. જેમાં જિલ્લાની જુદી-જુદી સમસ્યાઓનો સર્વે કરવામાં આવે તો ચોકકસપણે કહી શકાય કે, હજુ વિજળી, આરોગ્ય અને શિક્ષણને લગતા અનેક પ્રશ્ર્નો એવા છે કે જેનું નિરાકરણ થઇ શકયું નથી.
વિસ્તારોના વિકાસમાં ભેદભાવ : પોરબંદર જિલ્લામાં બે વિધાનસભા સીટ આવેલી છે. જેમાં પોરબંદર વિધાનસભા સીટ પર ભાજપનું સામ્રાજય છે તો રાણાવાવ-કુતિયાણા વિધાનસભા સીટ પર છેલ્લી ત્રણ ટમર્ર્થી એનસીપીનું શાસન છે. પોરબંદર જિલ્લો બન્યા પછી બે વિસ્તારોના વિકાસમાં રાજકીય કે અન્ય કોઇ કારણોસર ખુબ મોટો ભેદભાવ દાખવવામાં આવે છે તેવું મતદારો માને છે. પોરબંદરના બરડા પંથકના ગામડાઓનો જે રીતે વિકાસ થયો તેની સરખામણીએ ઘેડ પંથકના ગામડાઓનો પ્રમાણમાં ખુબ ઓછો વિકાસ થયો ગણાવી શકાય છે. બરડા પંથકના ધરતીપુત્રોની સમૃદ્ધિ ઉડીને આંખે વળગે તેવી છે. તેની સરખામણીએ ઘેડ પંથકના ખેડૂતોને પુરતો લાભ મળ્યો નહીં હોવાથી બરડા પંથકના ખેડૂતોના પ્રમાણમાં આર્થીક રીતે ખુબ પાછળ છે તેના માટે રાજકીય કારણો ઉપરાંત ભૌગોલિક કારણો પણ અમુક અંશે જવાબદાર છે.
ઘેડમાં સમસ્યાઓ : પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં લોકોની અનેક સમસ્યાઓ વર્ષોથી પડતર છે અને તેનું નિરાકરણ આવતું નથી.ઘેડ પંથકની મુખ્ય સમસ્યાઓમાં સૌથી મહત્વની ગણાવી શકાય તેવી સમસ્યા સિંચાઇની છે. આ વિસ્તાર દરિયાઇપટ્ટીની નજીક આવેલો હોવાથી સ્વભાવિક રીતે જ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે છે. વળી આ વિસ્તારનો ભૌગોલિક આકાર રકાબી જેવો છે. તેથી ચોમાસાના ચાર મહિના માત્ર ખેતરો જ નહીં પરંતુ ગામો પણ પાણીમાં ડુબી જતા હોય છે તેથી સ્ંિચાઇનો લાભ આપવા માટે નકકર આયોજનનો અભાવ જોવા મળે છે. આ વિસ્તારના ખેડૂતો ચોમાસુ પાક લઇ શકતા નથી તેઓને શિયાળામાં જ પાકનો લાભ મળે છે. ચોમાસા દરમિયાન લાખો ગેલન વરસાદી પાણી સમુદ્રમાં વહી જાય છે. પરંતુ તેને બચાવવા માટે કોઇ યોજના અમલી બનાવાય નથી. જળસંચય માટે ખાસ કોઇ સુવિઘાઓ ઉપલબ્ધ નથી. તે ઉપરાંત આ વિસ્તાર શિક્ષણની દ્રષ્ટિએ પણ પ્રમાણમાં પછાત છે, ઉચ્ચ અભ્યાસ માટે આ વિસ્તારના વિદ્યાર્થીઓને ફરજીયાતપણે પોરબંદર કે જુનાગઢ જવું પડે છે. તેવી જ રીતે અંદરના ગામડાઓમાં રસ્તાની પુરતી સુવિધા પણ ઉપલબ્ધ નથી. અથવા અમુક વિસ્તારોમાં રસ્તા છે પરંતુ બિસ્માર અવસ્થામાં હોવાથી ગ્રામ્યપંથકના લોકોને અવર-જવરમાં મુશ્કેલી વેઠવી પડે છે. આરોગ્યલક્ષી સુવિધાઓ પણ અપુરતી છે. લોકોને નાની-મોટી બિમારીની સ્થાનિક કક્ષાએ સારવાર મળતી નહીં હોવાથી દર્દીઓને પોરબંદર કે જુનાગઢ લઇ જવા પડે છે. ગ્રામ્ય પંથકોમાં સરકારી તબીબોની પણ અપુરતી સુવિધા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાનહીં હોવાની ફરિયાદો પણ વારંવાર ઉઠતી હોય છે. તે ઉપરાંત ઘેડપંથકમાં વિપુલમાત્રામાં ખનીજચોરી સહિતની ગેરકાનુની પ્રવૃતિઓ પણ ફુલીફાલી છે. દરિયાઇપટ્ટી પર બિલ્ડીંગ સ્ટોનની કોરડો પિયાની ખનીજચોરી છેલ્લા કેટલાક વર્ષો માં પકડાઇ છે. આ વિસ્તારમાં કોઇ મોટા ઉદ્યોગ નહીં હોવાને કારણે બેકારીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. આમ ઘેડ પંથક અનેક સમસ્યાથી ઘેરાયેલો છે અને જિલ્લા તથા તાલુકા પંચાયત દ્વારા આ વિસ્તારમાં પુરતો વિકાસ કરાવવામાં આવતો નીહં હોવાની ફરિયાદો મતદારો કરી રહ્યા છે.
ધારાસભ્ય કાંધલ જાડેજાની ભારે જહેમત : રાણાવાવ-કુતિયાણા મતવિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજા તેમના વિસ્તારમાં વિકાસ માટે બનતા પ્રયત્નો કરે છે અને લોકોના પ્રશ્ર્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે જવાબદાર અધિકારીઓને પણ તાત્કાલીક દોડાવે છે. ગામડે-ગામડે જઇને લોકોના પ્રશ્ર્નો સાંભળે છે, તેમના ઘેડ વિસ્તારમાં વધુને વધુ વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ રહે છે.
પોરબંદર જિલ્લાની અન્ય સમસ્યાઓ : પોરબંદર જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે તેમ છતાં જિલ્લા પંચાયતને લગતી અનેક સમસ્યાઓનું સમયાંતરે નિરાકરણ આવતું નહીં હોવાની લાગણી મતદારો દશર્વિે છે. જિલ્લાને માત્ર 3 તાલુકાઓમાં સમાવિષ્ટ કરવાને બદલે વધુ ર તાલુકાઓની રચના કરાવ માટે વારંવાર માંગણીઓ ઉઠે છે પરંતુ સરકાર આંખ આડા કાન કરે છે. બગવદરને તાલુકાનો દરજજો આપવાની માંગણી વર્ષોથી ધ્યાને લેવાય નથી. તેવી જ રીતે ઘેડ પંથકના માધવપુરને પણ ૨૫૦૦૦ થી વધુની વસ્તી હોવાથી તાલુકાનો દરરજો આપવો જરૂરી બની ગયો છે તેવી જ રીતે પોરબંદર જિલ્લામાં જળસંચય માટે સુવિધાઓ વધારવી જરી છે. સિંચાઇનો પુરતો લાભ તમામ વિસ્તારોને મળે તે માટે પણ નકકર પ્રયત્નો થવા જરી છે. જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં સારા રોડ-રસ્તા પીવાનું પાણી આરોગ્યને લગતવી સુવિધા પ્રાપ્ત થાય તે માટે હજુ ઘણુ ખુંટે છે.
લોકોની અપેક્ષા : મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય છે. તેમ છતાં મતદારોની અપેક્ષા સંતોષવામાં કયાંક ખામી રહી જતી હોય તેવું પણ બનતું હોય છે. પોરબંદર જિલ્લાના લોકોની એવી અપેક્ષા હોય છે કે તેમના પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં જો નેતાઓ ઉણા ઉતરે તો પણ શાંત મતદારો ભાગ્યે જ સામા પ્રવાહે ચાલે છે. તેઓ સમજે છે કે સ્થાનિક કક્ષાએથી લઇને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે તેથી તેમના પ્રશ્ર્નો અને સમસ્યાના નિરાકરણ માટેનો એક માત્ર ઉકેલ ભાજપ છે! જીલ્લાની ભૌગોલિક સમસ્યાનું નિરાકરણ શકય નથી પરંતુ રાજકીય લેવલે પ્ર્યત્ન કરીને સ્થાનિક સમસ્યાનું નિરાકરણ અવશ્યપણે લાવી શકાય તેવી લોકોની અપેક્ષા છે.
મતદારોનો મિજાજ : પોરબંદરના મતદારોનો મિજાજ ભાપવો આ વખતે કઠીન છે એક તરફ રાજકીય પોકળ દાવાઓ છે તો બીજી તરફ બેરોજગારી, ખેડૂત આંદોલનો અને ભ્રષ્ટાચાર મતદારોના કેન્દ્રના મુદ્દાઓ છે. બરડા પંથકના મતદારો ક્યારેક ભાજપ તો ક્યારેક કોંગ્રેસ ની સાથે રહે છે. તો ઘેડ પંથકના અમુક ગામડાઓને બાદ કરતા અહીં પણ મોટાભાગના મતદારો ભાજપની તરફેણમાં જણાય રહ્યા છે. શાણા મતદારો સમજે છે કે પોતાના વિસ્તારમાં વિકાસ કરવો હોય તો સ્થાનિકથી લઇને રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પ્રવાહો કઇ તરફ વહે છે તે સારી રીતે સમજે છે. બીજી બાજુ આ મતદારો એ પણ સમજી રહ્યા છે કે આવા પ્રવાહો ભ્રષ્ટાચાર માટે પણ કારણભૂત બનતા હોય છે, ગત ચુંટણીમાં પણ કોંગ્રેસને માત્ર ર સીટ મળી હતી જયારે ૧૪ સીટ ભાજપએ અંકે કરી લીધી હતી અને આગામી ચુંટણીમાં પણ મતદારોનો મિજાજ ભાજપ તરફી રહે તેવું અત્યારે જણાય રહ્યું છે. તેનું એક કારણ એ પણ છે કે પોરબંદર જિલ્લામાં સબળ વિપક્ષનો અભાવ જોવા મળે છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં અમુક સીટ તો એવી છે કે જયાં કોંગ્રેસને ચુંટણી લડવા માટે ઉમેદવારો શોધવામાં પણ ફાફા પડયા છે.
આમ, પોરબંદર જિલ્લા પંચાયતની ચુંટણીમાં મતદારો કોના પર રીઝશે? તેતો આવનારો સમય જ સિધ્ધ કરી બતાવશે. ભાજપની અમુક બાબતોમાં નિષ્ફળતાથી કોંગ્રેસને કોઇ મહત્વની તક મળે તેવું જણાતું નથી, તો આમ આદમી પાર્ટી કે અન્યો આ વખતે ભાજપની નિષ્ફળતાનો લાભ લઇ શકશે કે કેમ ? અથવા તો કોંગ્રેસનો અન્ડર કરંટ કામ કરી રહ્યો હોય તો ભાજપને કદાચ બૌ મોટી હારનો સામનો કરવો પડે તો નવાઈ નહી
પોરબંદર જીલ્લા પંચાયતના મતદારો : પોરબંદર જીલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠકો ઉપર ચુંટણી યોજાનાર છે જેમાં બે લાખ બત્રીસ હજાર સાતસો બેતાલીસ મતદારો નોંધાયા છે.
તાલુકા પંચાયતની ચુંટણીમાં તાલુકાવાઇઝ મતદારો : એ જ રીતે પોરબંદર તાલુકા પંચાયતની ચુંટણીમાં તાલુકાવાઇઝ મતદારોની વાત કરીએ તો પોરબંદર તાલુકાની રર બેઠકો માટે કુલ એક લાખ ચોત્રીસ હજાર ત્રણસો બાવીસ મતદારો, રાણાવાવ તાલુકાની ૧૬ બેઠકો માટે બાવન હજાર બસ્સો ચોયર્સિી મતદારો અને કુતિયાણા તાલુકાની ૧૬ બેઠક માટે છેતાલીસ હજાર એકસોછત્રીસ મતદારો નોંધાયા છે.
તાલુકા પંચાયત અને તેમાં છેલ્લુ શાસન : પોરબંદર જીલ્લામાં સમાવિષ્ટ ત્રણ તાલુકાઓમાં છેલ્લુ શાસન ત્રણે-ત્રણ તાલુકામાં ભાજપનું રહ્યું છે. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો ઘણા સમયથી લહેરાઇ રહ્યો છે.
કુલ બેઠકો અને તેની માહિતી
પોરબંદર જીલ્લા પંચાયતમાં નવાસીમાંકન પ્રમાણે આ વર્ષે કુલ ૧૮ બેઠકો અસ્તિત્વમાં આવી છે જેમાંથી અનુસુચિત જાતિની સ્ત્રી માટેની ૧ બેઠક, સામાન્ય માટેની ૧ બેઠક, અનુસુચિત આદિજાતિની સ્ત્રી માટેની ૧ બેઠક, સામાન્ય અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સ્ત્રીની ૧ બેઠક અને સામાન્યની ૧ બેઠક તથા સામાન્ય સ્ત્રી માટે ૬ બેઠક અને બિનઅનામત માટે સાત બેઠકો મળી કુલ ૧૮ બેઠકો ઉપર પોરબંદર જીલ્લા પંચાયતની ચુંટણી યોજાનાર છે.
પોરબંદર જીલ્લો અને તેના ગામડાઓ : પોરબંદર જીલ્લામાં કુલ ૩ તાલુકાઓ આવેલા છે જેમાં પોરબંદર તાલુકામાં ૭૮ ગામોની ૭૪ ગ્રામપંચાયત, રાણાવાવ તાલુકામાં ૪૭ ગામોની ૪૬ ગ્રામપંચાયત અને કુતિયાણા તાલુકાના ૩૦ ગામોની ૨૯ ગ્રામપંચાયત અસ્તિત્વમાં છે. પોરબંદર જીલ્લાના કુલ ૧૮૬ ગામો છે.
ગત ચુંટણીની વિગતો : પોરબંદર જીલ્લા પંચાયતની ૨૦૧૫ માં યોજાયેલી ચુંટણીમાં ભાજપનો ભગવો યથાવત રીતે લહેરાયો હતો. કુલ ૧૬ સીટ પૈકી બે સીટ કોંગ્રેસના ફાળે જયારે ૧૪ સીટ ભાજપના ફાળે આવી હતી.
નવા સિમાંકન પ્રમાણેની પોરબંદર જીલ્લા પંચાયતની ૧૮ બેઠકો : નવા સિમાંકન પ્રમાણે પોરબંદર જીલ્લામાં ૧૮ બેઠકો પંચાયતની અસ્તિત્વમાં આવી છે જેમાં અડવાણા માટે સામાન્ય સ્ત્રી, અમરદડ માટે અનુસુચિત જાતિ, બખરલા માટે સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગની સ્ત્રી, બળેજ માટે સામાજીક-શૈક્ષણિક પછાત વર્ગ, ચૌટા માટે સામાન્ય સ્ત્રી, દેગામ માટે બિનઅનામત સામાન્ય, ફટાણા માટે સામાન્ય સ્ત્રી, કડછ અને ખાગેશ્રી માટે બિનઅનામત સામાન્ય, ખિરસરા માટે સામાન્ય સ્ત્રી, કોટડા માટે અનુસુચિત જાતિની સ્ત્રી, માધવપુર માટે સામાન્ય સ્ત્રી, મહીયારી માટે બિનઅનામત સામાન્ય, મોઢવાડા માટે સામાન્ય સ્ત્રી, ઓડદર માટે અનુસુચિત આદિજાતિ સ્ત્રી તથા રાણાકંડોરણા-૧, રાણાકંડોરણા-ર અને વિસાવાડા માટે બિનઅનામત સામાન્ય ઉમેદવારની સીટ નકકી કરવામાં આવી છે.
પોરબંદર જીલ્લાની પ્રાથમિક માહિતી : પોરબંદર જીલ્લો જુનાગઢ જીલ્લામાંથી છુટો પડીને ૧૯૯૭ માં રચવામાં આવ્યો હતો અને ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે જીલ્લાની વસ્તી પ લાખ ૮૫ હજાર ૪૪૯ છે. જેમાંથી ૪૮.૮ ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. આ જીલ્લામાં સિમેન્ટ ઉદ્યોગ, સોડાએશ, કોલસો, લાઇમ સ્ટોન અને મત્સ્યોદ્યોગ મુખ્ય છે.
પોરબંદર જીલ્લાનું કુલ ક્ષેત્રફળ ૨૩૧૬ કી.મી.નું છે જેમાં શહેરી ક્ષેત્રફળ ૧૭૮ કી.મી. અને ગ્રામ્ય ક્ષેત્રફળ ૨૧૩૮ કી.મી.નું છે.
પોરબંદર જીલ્લા પંચાયતની ૨૮ મી તારીખે ચુંટણી યોજાશે, ઘેડ વિસ્તારમાં ચોમાસાના ચાર મહીના ખેતરો પણ પાણીમાં ડુબેલા રહે છે તો આંતરીક રસ્તાઓ બિસ્માર છે તેની તસ્વીર.
પોરબંદરના ત્રણે તાલુકાઓમાં કુલ મતદારોની સંખ્યા
તાલુકો પુરૂષ સ્ત્રી અધર ટોટલ
પોરબંદર ૬૯૬૫૧ ૬૪૬૭૨ ૦ ૧૩૪૩૨૩
રાણાવાવ ૨૫૯૯૭ ૨૩૭૩૯ ૦ ૪૯૭૩૬
કુતિયાણા ૨૮૯૧૯ ૨૬૮૩૭ ૦ ૫૫૭૫૬
કુલ સંખ્યા ૧૨૪૫૬૭ ૧૧૫૨૪૮ ૦ ૨૩૯૮૧૫