ગત માર્ચથી ભારત સહીત સમુચા વિશ્વને કોરોના કોવીડ-૧૯ એ ભરડામાં લીધું હતું અને આશરે આઠ મહિના બાદ કોરોના વેક્સીન મળી આવી છે ત્યારે ખુશીની વાત છે સાથે સાથે મોટાભાગની રાજ્ય સરકારોએ પોતાના તાબાના કર્મચારીઓને વેક્સીન લેવાનો આગ્રહ કર્યો છે, આ આગ્રહ જ હોવો જોઈતો હતો જેને બદલે સજા ભોગવતા કેટલાક અધિકારીઓ સરકારને વ્હાલા થવા અને સજાની જગ્યાઓ પરથી સારી જગ્યાએ પોસ્ટીંગ મેળવવા તાબાના કર્મચારીઓને સમજાવટ ને બદલે દબાણ કરતા હોવાની જાણકારીઓ મળી રહી છે.

વેક્સીન એ સારી હોય તો પણ એ કોરોનાનો અંતિમ ઈલાજ નથી, કોરોના બીમારી અને એના સચોટ ઈલાજ અંગે હજુ આખા વિશ્વના વૈજ્ઞાનિકો અવઢવમાં છે, જો કે ભારતના વૈજ્ઞાનિકોએ ખુબ ઝડપથી સંક્રમણથી બચાવ કરતી વેક્સીન શોધી આપીને ભારતનું ગૌરવ વધાર્યું છે પરંતુ આ વેક્સીન બાબતે ઘણા વિવાદો પણ છે જેને નકારી શકાય નહિ ત્યારે ઘણી બધી મુશ્કેલીઓથી પસાર થતા નાના કર્મચારીઓને વેક્સીન લેવા બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોય અને જો કર્મચારી ન માને તો બદલીઓનું શસ્ત્ર ઉગામવામાં આવતું હોય એ બાબત અતિ ગંભીર અને અયોગ્ય છે.

જે ઉચ્ચ અધિકારીઓ સરકારને વ્હાલા થવાનો પ્રયત્ન કરે છે તેણે કર્મચારીની મૂંઝવણ પણ સમજવી જોઈએ અને કર્મચારીના મનમાં એ સવાલ ઉઠતો હોય કે વેક્સીન યોગ્ય હોય તો રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યોએ વેક્સીન કેમ નથી લીધી એનો જવાબ આપવો જોઈએ…

જીલ્લા અથવા ઓફીસના વડાઓએ કર્મચારી અને સરકાર વચ્ચે  કડી તથા પુલ બનીને કામ કરવું જોઈએ અગર જો કોઈ કર્મચારી વેક્સીન લેવાની ના પાડે છે તો ઉદાર વલણ દાખવીને સમજાવટ ભર્યું કામ કરવું જોઈએ, હાલની વિકટ પરીસ્થિતીમાં જો કર્મચારીઓ આંદોલનનું હથીયાર ઉગામશે તો એના જવાબદાર કોણ ? એ પ્રશ્ન અતિ ગંભીર બની જાય તેમ હોય, કર્મચારીઓ સાથે છુઆછૂત કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવાને બદલે તેમને વધુ તાર્કિક રીતે સમજાવવા જોઈએ

વેક્સીન ગમે તેટલી સારી હોય તો પણ એને કર્મચારીઓના વિવેક પર છોડીને જીલ્લાનો વહીવટ સુપેરે ચાલે તેવો માહોલ બનાવવાને બદલે ફરજીયાત વેક્સીન બાબતે પ્રશ્નો ઉઠશે ત્યારે ?  અને કર્મચારીઓએ પણ આવા મનસ્વી અધિકારીના તાબે થવાને બદલે સારા ડોકટરોની સલાહ મેળવીને જો અગર વેક્સીન નુકશાન કારક ન હોય તો લઇ લેવી જોઈએ. અને એ બાબતે જો કોઈ અવઢવ હોય તો ઉચ્ચ કક્ષાએ જાણકારી આપી અને માહિતી મેળવવી જોઈએ