ઉર્જા વિભાગે વીજકર્મીઓને નવા ભાડા, ભથ્થાનો આદેશ કરી દેતાં ખુશીની લહેર

રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા રાજ્યની પીજીવીસીએલ, જેટકો સહિતની સાતેય વીજ કંપનીઓના કર્મચારીઓ, અધિકારીઓને સાતમા પગાર પંચ મુજબનું ધરભાડા ભથ્થું અને સીએલએ સિવાયના અન્ય મળવાપાત્ર ભથ્થા તા. ૧/૧/૨૦૧૬ની અસરથી ચૂકવવાનો આદેશ કરતો પત્ર ગઇકાલે વડી કંપની જીયુવીએનએલના એમ.ડી.ને પાઠવી દેતા, રાજ્યના ૫૫૦૦૦થી વધુ વીજકર્મી અધિકારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે. આ બાબતે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિએ પણ સરકારના નિર્ણય બદલ ખૂબજ સંતોષ વ્યકત કર્યો છે.

ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના સંયોજકો આરબી સાવલિયા અને ગિરીશ જોશી ઉપરાંત જીબીઆના જનરલ સેક્રેટરી બી એમ શાહ સહિતના આગેવાનોએ જણાવ્યા મુજબ જીયુવીએનએલના તમામ વીજકર્મચારીઓ, અધિકારીઓ, ઈજનેરોની લાગણી અને માગણીઓના અનુસંધાને રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ઉર્જા વિકાસ નિગમને ઉપસચિવ દીપેશ રાજે ગઈકાલે ખાસ પત્ર પાઠવીને તા. ૦૧/૦૧/૨૦૨૧થી પગાર પંચના બેઝિક પર તમામ ભથ્થા તા. ૦૧/૦૧/૨૦૧૬થી અસર મુજબ અને ચડત ભથ્થાઓનું એરીયર્સ દશ હપ્તામા ચુકવણું કરી દેવાનો આદેશ કરી દીધો છે,

જેથી સાતેય વીજકંપનીના ૫૫ હજાર કર્મચારીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે. આ તકે ગુજરાત પૂજા સંયુક્ત સંકલન સમિતિના જણાવવા મુજબ વીજ કર્મચારીઓને આ વ્યાજબી લાગણી અને માગણી સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં તથા ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ, પ્રમુખો ગોરધનભાઇ ઝડફીયા, ભરતભાઇ પંડયા, વાસણભાઈ આહિર, ભરતભાઇ ડાંગર, કેતનભાઇ ઈનામદાર તથા ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, જીયુવીએનએલ મેનેજીંગ ડાયરેકટર શાહમીના હુશેન, મુનશી, રાય સર્વેના પ્રયાસોથી વિજય કર્મચારીઓનો આ પ્રશ્ન ઉકેલાયો છે.

ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ વિશેષ મુખ્ય સચિવ પંકજ જોશી વગેરે પણ સંકલનપૂર્વક કામગીરી સંભાળી હતી. જે બદલ ઉપરોક્ત તમામ મહાનુભાવો પ્રત્યે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ આભાર વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત કર્મચારીઓને આ તમામ વીજ કંપની તમારી છે તેમ માનીને સર્વેએ વીજ ગ્રાહકો તેમજ સરકારને સંતોષકારક સેવા પુરી પાડવા અને કાર્યક્ષમતા બતાવવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીઇબી એન્જિનિયર્સ એસોસિયેશન, જીઇબી સુપરવાઇઝરી સ્ટાફ એસોસિયેશન, વીજળી કર્મચારી મહામંડળ, ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ, ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ વગેરેએ અનુરોધ કર્યો છે.